કોરોના મહામારીના આ કપરા કાળમાં રાજ્ય સરકાર તમામ મોરચે લડી રહી છે ત્યારે નાગરિકોની આરોગ્ય સુખાકારી માટે માત્ર સરકાર જ નહીં પરંતુ તેના હાથ પગ ગણાતા અધિકારી, કર્મચારીઓ પણ દિવસ-રાત જોયા વગર પોતાનું યોગદાન આપી રહ્યા છે. આ સ્થિતિમાં પણ કેટલાંક બની બેઠેલા નેતાઓને રાજકરણ સુઝી રહ્યું છે. કેટલાંક રાજકીય આગેવાનો શિક્ષકોનો ગ્રેડ પે સુધરી ગયો હોવાની ભ્રામક અફવા ફેલાવીને અન્ય વિભાગના કર્મચારીઓને ગેરમાર્ગે દોરી રહ્યાં છે. જે કોઇપણ રીતે યોગ્ય નથી તેમજ સ્વીકારવા પાત્ર નથી તેમ નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે સ્વર્ણિમ સંકુલ-ગાંધીનગર ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું છે.
શ્રી પટેલે ઉમેર્યું કે, શિક્ષકોને ૪૨૦૦નો ગ્રેડ પે મળતો જ હતો, જે પરિપત્રથી ગેરસમજ ઉભી થઈ હતી માત્ર તે પરિપત્ર રદ્દ કરાયો છે. આ મુદ્દાને લઈને વિરોધીઓ દ્વારા ખોટુ અર્થઘટન કરી કર્મચારીઓમાં ગેર સમજ ઉભી કરવામાં આવી રહી છે. કોઈને અન્યાય ન થાય તે રીતે દરેકને સદભાવનાથી સાથે રાખીને રાજ્ય સરકાર કામ કરી રહી છે. પ્રજાના કલ્યાણની સાથોસાથ કર્મચારીઓ જે સરકારના હાથ પગ છે તેમના ક્લાયણ અને હિતોના રક્ષણની જવાબદારી અમારી છે કોરોના મહામારીના કપરા કાળમાં પણ રાજકીય આગેવાનો દ્વારા કર્મચારીઓને ગેરમાર્ગે દોરીને ઉશ્કેરવામાં આવે છે, જે કોઇપણ રીતે યોગ્ય નથી તેમજ સ્વીકારવા યોગ્ય પણ નથી.
શ્રી પટેલે વધુમાં ઉમેર્યુ કે, રાજ્ય સરકાર કયારેય કોઈ કર્મચારીઓ સાથે ભેદભાવ કરતી નથી. રાજય સરકારના અધિકારી-કર્મચારીઓને તેમને મળવા પાત્ર વેતન-ભથ્થાઓ પૂરા પાડવાએ અમારી નૈતિક ફરજ છે તેથી કોઈ કર્મચારીઓ/આગેવાનો ભ્રામક પ્રચારમાં દોરાઈ ઉશ્કેરણીજનક વાતોમાં ન આવે તેમજ ખોટી માંગણીઓ ન કરે. રાજ્ય સરકાર હરહંમેશથી કર્મચારીઓના હિતમાં જ નિર્ણયો લેતી આવી છે. તેમણે ગર્વની લાગણી વ્યક્ત કરતાં ઉમેર્યું હતુ કે, કેન્દ્ર સરકારે કર્મચારીઓને સાતમા પગારપંચના લાભો પૂરા પાડવાની જાહેરાત કરી કે તુર્તજ ગુજરાત સરકારે પણ દેશમાં સૌ પ્રથમ સાતમા પગારપંચના લાભો કર્મચારીઓને પૂરા પાડ્યા છે.
તેમણે ઉમેર્યું કે, પ્રાથમિક શિક્ષકોની બઢતીની જગ્યાઓ માટે નિયમોમાં થયેલા નવા ફેરફારને અનુલક્ષીને પ્રાથમિક શિક્ષકોને અગાઉના નિયમો પ્રમાણે જે પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ ગ્રેડ પે રૂ.૪૨૦૦/- મળતું હતું તે સંદર્ભે પ્રશ્ન ઉપસ્થિત થતા શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમાએ આ પરિપત્ર રદ્દ કરવાની અગાઉ જાહેરાત કરી દીધી છે. શિક્ષણ વિભાગની ઉભી થયેલી આ પરિસ્થિતિનો દૂરુપયોગ કરી કેટલાક સરકારના કર્મચારી વિરોધી તત્વો અન્ય વિભાગના કર્મચારીઓને ગેરમાર્ગે દોરી રહ્યાં છે અને શિક્ષકોનો ગ્રેડ પે સુધર્યો છે તો આપણો કેમ નહીં ? તેવો દુષ્પ્રચાર કરી સોશિયલ મીડિયામાં આંદોલનાત્મક વાતાવરણ ઉભુ કરી રહ્યાં છે. શિક્ષકોને અત્યાર સુધી પ્રથમથી જ ગ્રેડ પે રૂ.૪૨૦૦ પ્રમાણે ઉચ્ચતર પગાર ધોરણ ચુકવવામાં આવતું હતું તેથી તેમાં કોઇ વધારો કરવામાં આવેલ નથી.
શ્રી પટેલે ઉમેર્યું કે, રાજ્ય સરકારના અધિકારી/કર્મચારીઓને સાતમાં પગાર પંચનો લાભ તા.૦૧.૦૧.૨૦૧૬થી આપવામાં આવે છે અને કર્મચારીઓના પગાર અને ભથ્થાની ચુકવણી નિયમિત કરવામાં આવે છે. કર્મચારીઓને પગારપંચ દ્વારા કરેલ ભલામણ મુજબ પગાર ધોરણ અને ગ્રેડ પે નક્કી કરવામાં આવે છે. તે રાજ્ય સરકાર દ્વારા સ્વીકારવામાં આવે છે અને આ બાબતે કોઇ વિસંગતતા ઉભી થાય તો તે રાજ્ય સરકાર દ્વારા દૂર કરવામાં આવે છે.
શ્રી પટેલે ઉમેર્યુ કે, પ્રાથમિક શિક્ષકોને તેમને હાલ મળતાં ગ્રેડ પે માં કોઇપણ પ્રકારનો વધારો સરકાર દ્વારા આપવામાં આવેલ નથી. જેથી કર્મચારી આગેવાનોએ આવી ભ્રામક પ્રચારમાં આવી જઇ ખોટી માંગણીઓ ન કરે તે જોવાનું રહે છે. સરકારના દરેક કર્મચારીઓને પણ આવી ઉશ્કેરણીજનક નિરાધાર વાતોમાં ન આવે તે જોવા પણ જણાવવામાં આવે છે.