ગાંધીનગર શહેરમાં સેક્ટર-11 ખાતે સુમન ટાવર પાસે ચાની લારી ચલાવીને ગુજરાન ચલાવતા 38 વર્ષીય યુવાને પ્રમાણમાં થોડી અઘરી મનાતી સતારા મેરેથોનમાં ભાગ લઇને 2 કલાક 53 મિનિટમાં મેરેથોન પુરી કરી હતી. માત્ર 7 ધોરણ ભણેલા આ યુવાનને શહેરના મેરેથોન રનરે પ્રેરણા આપતા તેણે પ્રથમવાર સતારા મેરેથોનમાં ભાગ લીધો હતો.
સેક્ટર-13 ખાતે રહેતો જીજ્ઞેશ કાવાભાઇ ભરવાડ નામનો યુવાન છેલ્લા 20 વર્ષથી ચાની લારી ચલાવે છે. દરમિયાનમાં સુમન ટાવરમાં ઓફિસ ધરાવતા અને 66 વર્ષની વયે 137 મેરેથોન દોડી ચૂકેલા જગતભાઇ કારાણીના સંપર્કમાં આવતા જીજ્ઞેશને પણ મેરેથોન દોડવાની પ્રેરણા મળી હતી. જીજ્ઞેશે કહ્યું કે અગાઉ હું માત્ર 5 કિલોમીટર સામાન્ય રનીંગ કરતો હતો પરંતુ પછી જગતભાઇ સાથે રનીંગની પ્રેક્ટીસ કરી હતી અને મેરેથોન વિષે જાણકારી મળી હતી. ત્યારબાદ વર્ચ્યુઅલ મેરેથોન દોડવાનું શરૂ કર્યું હતું. જીજ્ઞેશે આ અગાઉ ગિફ્ટ સિટી ખાતે અને રાજકોટ ખાતે યોજાયેલી મેરેથોન દોડમાં પણ ભાગ લીધો હતો તે પછી 3જી સપ્ટેમ્બરે સતારા ખાતેની મેરેથોનમાં જગતભાઇની સાથે જોડાયો હતો. જગત કારાણીએ કહ્યું કે અન્ય મેરેથોનની સરખામણીએ સતારા મેરેથોન થોડી વધુ અઘરી હોય છે કેમ કે 21.09 કિલોમીટરનું અંતર પર્વતીય વિસ્તારમાં ઢોળાવવાળા રસ્તા પર દોડીને કાપવાનું હોય છે. ચોમાસાની સિઝન અને પર્વતીય વિસ્તાર હોવાથી ભેજનું પ્રમાણ વધારે હતું જેની પણ શારીરિક અને માનસિક અસર થતી હોય છે પરંતુ પ્રથમવાર હોવા છતાં જીજ્ઞેશે તે પુરૂ કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે 60 વર્ષની ઉંમરે મેરેથોન દોડવાનું શરૂ કરનાર જગત કારાણીએ 6 વર્ષમાં 137 મેરેથોનમાં ભાગ લીધો છે. કોરોનાકાળમાં સંક્રમણ થતાં હોસ્પિટલમાં દાખલ થયા બાદ જગત કારાણીએ 21મા દિવસે પણ મેરેથોનમાં ભાગ લઇ અનોખી સ્ફૂર્તી દર્શાવી હતી. હવે તેમની પ્રેરણાથી એક સામાન્ય અને શ્રમજીવી યુવાન પણ આંતરરાષ્ટ્રીયકક્ષાએ જાણીતી સતારા મેરેથોનમાં ભાગ લઇને રનર બન્યો છે.