છ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર, 71થી વધુ પાલિકાના પ્રમુખો, 31 જિલ્લા અને 231 તાલુકા પંચાયતોના પ્રમુખો સહિતના પદાધિકારીઓની પસંદગી માટે પ્રદેશ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક છેલ્લા તબક્કે છે.
શનિવારે નિરીક્ષકોને સાંભાળવાની પ્રક્રિયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જશે. રાષ્ટ્રપતિ ભવનમાં શનિવારે G20 દેશોના પ્રતિનિધિઓ માટે ભોજન સમારોહનું આયોજન કરાયુ છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સામેલ થશે.
14મી સપ્ટેમ્બરથી તબક્કાવાર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અઢી વર્ષની બીજી ટર્મ માટે પદાધિકારીઓની નિયુક્તિનો ક્રમ શરૂ થાય છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના અધ્યક્ષપદે મુખ્યમંત્રી નિવાસસ્થાને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકો ચાલી રહી છે. આ બેઠકોમાં હાલમાં 270થી વધુ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મેયર, પ્રમુખ, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન, ડેપ્યુટી મેયર, ઉપ્રમુખ, દંડક અને વિવિધ સમિતિઓના ચેરમેન એમ કુલમળી 1,500 ઉપરાંત હોદ્દેદારોને પસંદગી માટે નિરીક્ષકોને સાંભળવામા આવી રહ્યા છે. સંભવતઃ શનિવારે બપોરે આ પ્રક્રિયા પુર્ણ કરીને સોમવારથી જે તે સંસ્થાઓમાં નવી ટર્મના નવા પદાધિકારીઓના નામો જાહેર થશે. આ તરફ શનિવારે બપોરે બોર્ડની બેઠક બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જઈ રહ્યા છે. જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય મંત્રીઓ અને G20 દેશોના પ્રતિનિધીઓ સાથે રાષ્ટ્રપતિ ભવનમાં યોજનારા ડિનરમાં સામેલ થશે.