સિનિયર સિટીઝન પાર્કના લોકાર્પણ પ્રસંગે અમદાવાદ શહેરના મેયર કિરીટ પરમાર તથા ડે. મેયર શ્રીમતી ગીતાબહેન પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિ
અમદાવાદ
એએમસી દ્વારા ઉત્તર ઝોન ઠક્કરબાપા નગર વોર્ડમાં ટી.પી.65, એફ.પી.145 ખાતે 797 ચોરસ મીટર વિસ્તારમાં બનાવેલા સિનિયર સિટીઝન પાર્કનું સહકાર અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પાર્કનું નિર્માણ અંદાજે કુલ રૂપિયા 13 લાખ 81 હજારના ખર્ચે કરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આવા સાર્થક પ્રયાસોથી શહેરના નાગરિકોને શુદ્ધ હવા મળશે, તથા સિનિયર સિટીઝન નાગરિકોને પાર્કમાં યોગ અને કસરત કરવાથી તેમના સ્વાસ્થ્યની સાર-સંભાળ કરવાની સુવિધા મળશે. અમદાવાદ ઠક્કરબાપા નગર વિસ્તારમાં સિનિયર સિટીઝન પાર્કની આ રમણીય ભેટ આપવા બદલ મંત્રીએ અમદાવાદ મહાનગરપાલિકાને અભિનંદન પણ આપ્યા હતા સાથે જ પાર્ક વિશે માહિતી પણ પ્રાપ્ત કરી હતી. આ પ્રસંગે અમદાવાદ શહેરના મેયર શ્રી કિરીટ પરમાર, ડેપ્યૂટી મેયર શ્રીમતી ગીતાબહેન પટેલ, મ્યુનિસિપલ શાસક પક્ષના નેતા શ્રી ભાસ્કર ભટ્ટ, મ્યુનિસિપલ શાસક પક્ષના દંડક અરુણસિંહ રાજપૂત, રોડ્સ એન્ડ બિલ્ડીંગ કમિટી ચેરમેન મહાદેવભાઇ દેસાઈ, રિક્રીએશન કમિટીના ચેરમેન રાજેશભાઈ દવે સહિત એએમસીના પદાધિકારીઓ અને અધિકારીઓ તેમજ સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.