માણસા ગામની સીમમાં આવેલી સી પ્લાસ્ટ ઇન્ડીયા પ્રા.લી.નામની કંપનીની કમ્પાઉન્ડ વોલની તાર ફેન્સીંગના તાર કાપી અંદર પ્રવેશી તસ્કરો ઓફિસમાંથી રોકડ રકમ, ચાંદીનો સિક્કો તેમજ પેન ડ્રાઈવ મળીને કુલ 20 હજાર 970 નો મુદ્દામાલ ચોરીને ફરાર થઈ જતાં માણસા પોલીસે ગુનો વધુ તપાસ હાથ ધરી છે.
માણસા ગામની સીમમાં આવેલ સી પ્લાસ્ટ ઇન્ડીયા પ્રા.લી. કંપનીમાં પ્લાસ્ટીક ફીસ કન્ટેનરનું ઉત્પાદન કરવામાં આવે છે. કંપનીના એચઆર મેનેજર રમેશભાઇ પટેલે ફરીયાદ નોંધાવી છે કે, હાલમાં કંપનીમાં 125 જેટલા કર્મચારીઓ કામ કરે છે. અહીં સીસીટીવી કેમેરા અને પ્રાઇવેટ સિક્યોરીટી પણ તૈનાત રહેતી હોય છે. અને ચોવીસ કલાક પ્રોડક્શનનું કામકાજ ચાલતું રહેતું હોય છે.
ગઇકાલ રાતના અગિયાર વાગ્યાથી સવારના સાત વાગ્યાના સમયની શીફ્ટમાં કંપનીમાં 18 કર્મચારીઓ પ્રોડકશન વિભાગમાં નોકરી પર આવેલ હતા. આજરોજ સવારે સુપરવાઇઝરે ફોન કરીને જાણ કરતા રમેશભાઇ કંપની પર દોડી ગયા હતા. અને જોયેલ તો કંપનીનો મુખ્ય કાચનો દરવાજાનુ લોક કોઇ હથીયારથી બળ વાપરી તોડી નાખેલ હતું. તેમજ કંપનીમાં રિસેપ્શનમાં આવેલ લાકડાના ડ્રોવર પણ તોડી નાખી સર સામાન વેરળ છેરણ પડેલ હતો.
ઉપરાંત વહિવટી ઓફીસ તરફના દરવાજાનું લોક તોડી બે ડ્રોવર, એકાઉન્ટ વિભાગના ત્રણ ડ્રોવર, પ્રોડકશન મેનેજરની ઓફીસના બે ડ્રોવર, સેલ્સ મેનેજરની ઓફીસના બે ડ્રોવેલ,મેનેજર ડીરેકટરના કેબીનનું એક ડ્રોવર,ફાઇનાન્સ મેનેજરના કેબીનના ત્રણ ડ્રોવર,એન.પી. એ વિભાગના બે ડ્રોવરનાં તાળા પણ તૂટેલા જોવા મળ્યા હતા.
બાદમાં રમેશભાઈએ વધુ તપાસ કરતાં એકાઉન્ટ વિભાગમાં આવેલ લાકડાના ત્રણ ડ્રોવરોમાંથી રોકડા રૂ. 19,500, ચાંદીનો ચાંદિનો સિક્કો તેમજ રોકડ પરચુરણ, બે પેન ડ્રાઈવ મળી 20 હજાર 970 નો મુદ્દામાલ ચોરી થયાનું માલુમ પડયું હતું. જેનાં પગલે તેમણે સીસીટીવી કેમેરા ચેક કરતાં મોઢે કપડાં બાંધેલ બે અજાણ્યા ઈસમોએ ફેન્સીગના તાર કાપી અંદર પ્રવેશ કરી ચોરીને અંજામ આપ્યો હોવાનું જોવા મળ્યું હતું. આ અંગે માણસા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.