મહારાષ્ટ્રનાં લોકો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. જે હથિયારથી શિવાજી મહારાજે અફઝલ ખાનને પતાવી દીધો હતો તે હથિયાર હવે ભારત પાછું લાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે.
છત્રપતિ શિવાજી મહારાજનું એક ખાસ હથિયાર ભારત પાછું આવવાનું છે. યુનાઇટેડ કિંગડમના અધિકારીઓએ ‘વાઘ નખ’ પરત આપવા માટે સંમતિ બતાવી છે. ‘વાઘ નખ’ એ હથિયાર છે જેનાથી શિવાજીએ 6.7 ફુટના અફઝલ ખાનને મોતને ઘાટ ઉતારી દીધો હતો.છેલ્લાં કેટલાંક દશકોથી આ નખ લંડનના વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યૂઝીયમમાં રાખવામાં આવેલો છે.
મહારાષ્ટ્રના સંસ્કૃતિ મંત્રી સુધીર મુનગંટીવારે વાઘ નખ ભારત પાછા લાવવા માટેનો પ્રયાસ કર્યા છે. જાણવા મળેલી વિગત મુજબ મંત્રી સુધીર આ મહિનાના અંતમાં લંડન જઇને વાઘ નખ પાછો લાવવા માટેના સમાધાન પત્ર પર હસ્તાક્ષર કરવા જવાના છે. આ કરાર વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યૂઝીયમ સાથે કરવામાં આવશે. એવી અપેક્ષા છે કે આ વર્ષના અંત સુધીમાં શિવાજી મહારાજનું આ ઐતિહાસિક હથિયાર ભારત પાછું આવી જશે.
1659ની વાત છે. બીજાપુરના સુલતાને અફઝલખાનને છત્રપતિ શિવાજી મહારાજને ગુલામ બનાવીને લાવવા માટે મોકલ્યો હતો. શિવાજી મહારાજ પોતાના બે વફાદારો સાથે અફઝલ ખાનને મળવા પહોંચ્યા હતા. અફઝલ ખાન 5 લોકોને લઇને આવ્યો હતો. પાલખીમાં આવેલા અફઝલ ખાને શિવાજી મહારાજને કહ્યુ હતુ કે બીજાપુરના સુલતાન આદિલ શાહને શરણે થઇ જાઓ. સર જાદુનાથ સરકારની પુસ્તક ‘શિવાજી એન્ડ હિઝ ટાઇમ્સ’માં ઉલ્લેખ છે કે અફઝલ ખાને છેતરપિંડી કરીને શિવાજી મહારાજ પર હુમલો કરી દીધો હતો.
પરંતુ શિવાજી મહારાજ પુરી તૈયારી સાથે આવ્યા હતા. તેમને અંદેશો હતો કે અફઝલ ખાન દગો આપશે. અફઝલ ખાને શિવાજી મહારાજને ગળે લગાવવાના બહાને ખંજર મારવાની કોશિશ કરી હતી, પરંતુ શિવાજી મહારાજ પોતાની સાથે લાવેલા વાઘ નખથી અફઝલ ખાનને જ મોતને ઘાટ ઉતારી દીધો હતો.
વાઘ નખ એક પ્રકારનું હથિયાર છે. તે આખી મુઠ્ઠીમાં ફીટ થઇ જાય છે. સ્ટીલના બનેલા આ હથિયારમાં ચાર પોઇન્ટેડ સળિયા છે. વાઘના પંજા જેવા ઘોર. તેની બંને બાજુએ બે રિંગ હોયછે, જેથી તે હાથની પહેલી અને ચોથી આંગળીઓમાં પહેરી શકાય અને મુઠ્ઠીમાં યોગ્ય રીતે ફિટ થઈ શકે. તે એટલું ઘાતક છે કે તે એક જ ફટકામાં કોઈને પણ મોતને ઘાટ ઉતારી શકે છે.જાણવા મળેલી માહિતી મુજબ શિવાજી મહારાજનું આ હથિયાર મરાઠા સામ્રાજ્યની રાજધાની સતારામાં જ હતું.