કલોલ તાલુકાના બોરીસણા ગામમાં ઘર કંકાસના કારણે પતિ પત્ની અલગ અલગ મકાનમાં રહે છે. એવામાં બે દિવસથી ઘરમાં લાઈટના અભાવે અંધારપટ છવાઈ ગયાની ફરિયાદ કરતાં ગિન્નાયેલ પતિએ ધોકા વડે પત્નીને ધોઈ નાખી બરોબરનો મેથીપાક આપી જાનથી મારી નાખવાની પણ ધમકીઓ આપવામાં આવતાં કલોલ તાલુકા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
કલોલ તાલુકાના બોરીસણા ગામમાં રહેતાં દંપતી વચ્ચેનો ઝગડો પોલીસ મથક સુધી પહોંચી ગયો છે. વાત જાણે એમ છે કે પતિ સાથે મનમેળ નહીં આવતાં 37 વર્ષીય પત્ની અલગ મકાનમાં રહે છે. બે દિવસથી ઘરમાં લાઈટના અભાવે અંધારપટ છવાઈ જતાં પત્નીએ ગામમાં જ રહેતા પતિને ફોન કરીને કહ્યું હતું કે લાઈટ બંધ હોવાથી ચાલુ કરવા માટે કોઈને મોકલી આપો. પરંતું બંને વચ્ચે ચાલતાં ખટરાગનાં કારણે પતિએ ગાળો બોલી લાઈટ ચાલુ કરવા જવાની ઘસીને ના પાડી દઈ ફોન મૂકી દીધો હતો. આથી સાંજના સમયે પત્ની પતિના ઘરે પહોંચી ગઈ હતી. ત્યારે પત્નીને જોઈને પતિએ પિત્તો ગુમાવી દીધો હતો અને ગાળો બોલી કહેવા લાગેલ કે આજપછી અહીંયા આવીશ તો તને જાનથી મારી નાખીશ. જેથી કરીને પત્નીએ ગાળો બોલવાની ના પાડતાં પતિ વધુ ઉશ્કેરાઈ જઈ ગડદાપાટુનો માર મારવા લાગ્યો હતો.
આટલેથી પણ સંતોષ નહીં થતાં પતિએ ઘરમાં પડેલા લાકડાંનો ધોકો લઈ પત્નીને ફરી વળ્યો હતો. જેનાં કારણે પત્નીએ બુમાબુમ કરી મુકી હતી. બાદમાં પત્નીને બરોબરનો મેથીપાક આપીને પતિ પોતાના ઘરે જતો રહ્યો હતો. ત્યારે પતિના મારથી અસહ્ય પીડા થતાં પત્નીએ 108 એમ્બ્યુલન્સ બોલાવીને કલોલ સિવિલ હોસ્પિટલમાં સારવાર કરાવી હતી. જે અંગે ફરિયાદ આપતાં કલોલ તાલુકા પોલીસે ગુનો કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.