સાળંગપુર મંદિર પરિસરમાં આવેલી હનુમાનજીની 54 ફૂટ ઊંચી પ્રતિમાની નીચે બનેલી કણપીઠમાં કંડારવામાં આવેલા વિવાદિત ભીંતચિત્રોને હટાવી દેવાયા છે. જોકે, સ્વામિનારાયણ સંપ્રદાયને લઈને હજુ પણ કેટલાક વિવાદ યથાવત છે.
સાળંગપુર મંદિરમાંથી માત્ર ભીંતચિત્રોને હટાવતા અનેક સાધુ-સંતો નારાજ છે. તમામ મુદ્દાઓ પર સમાધાન ન થયા હોવાનું સાધુ-સંતો જણાવી રહ્યા છે. આ વચ્ચે હવે ભાજપના ધારાસભ્યનું પહેલીવાર નિવેદન સામે આવ્યું છે. જેમાં તેઓએ સ્વામિનારાયણ સંપ્રદાયને પૈસા ભેગા કરવાની સંસ્થા કહી છે.
કાલોલના ભાજપના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણનો વીડિયો વાયરલ થયો છે. જેમાં ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ સ્ટેજ પરથી સ્વામિનારાયણ સંપ્રદાય પર ટિપ્પણી કરી રહ્યા છે. વીડિયોમાં તેઓ કહી રહ્યા છે કે હું એકવાર સોખડા ગયો હતો અને સત્સંગમાં મેં કીધું હતું કે તમે સદગુરુને માનો છો? ત્યારે એક જણાએ કહ્યું હતું કે ‘ના’ કેમ? મેં ત્યારે કહ્યું હતું કે જેને જેને સદગુરુનો દોષ લાગ્યો હોય તે ધરતી પર રહ્યા નથી.
MLA ફતેસિંહ આગળ કહી રહ્યા છે કે આ સ્વામિનારાયણ સંપ્રદાય એ કોઈ જ્ઞાનનો અખાડો નથી, સ્વામિનારાયણ સંસ્થા છે, પૈસા ભેગા કરવાની સંસ્થા છે, કોઈ ધર્મનું જ્ઞાન નથી. એટલા બધા વ્યાભિચારી સંત રોજ સમાચારમાં આવે છે અને અનેક મંદિરોમાં ઝઘડા ચાલે છે. આપણે દેવી-દેવતાઓના નામ પર તેનો સંપ્રદાય ચલાવે છે. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સ્વામિનારાય સંપ્રદાયને લઈને ચાલી રહેલા વિવાદની વચ્ચે કાલોલના ભાજપના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણનો વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગતરોજ રાજકોટના સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય દિનેશ પ્રસાદનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તેઓ દેવી-દેવતાઓ વિરુદ્ધ બફાટ કરી રહ્યા છે. વીડિયોમાં આચાર્ય દિનેશ પ્રસાદ કહી રહ્યા છે કે, દેવી-દેવતા કાઢવાના છે, ભગવાનની આજ્ઞા છે, આ જે કંઈ થાય છે તે ભગવાનની લીલા સમજીને ચાલો. ભગવાન સ્વામિનારાયણ હવે સનાતનીઓથી કૂરાજી થઈ ગયા છે અને આપણે હવે કોઈ દેવી-દેવતા સાથે કોઈ સંબંધ રાખવાનો નથી. સ્વામિનારાયણ ભગવાન આપડો આખો ધર્મ અલગ કરી રહ્યા છે. હિન્દુ ધર્મના એવા લોકો કે જેઓ દેવી-દેવતાને માનતા નથી, તેઓએ સ્વામિનારાયણ ભગવાન સ્વીકારશે.