ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી
લમ્પી વાયરસ મહામારીમાં ભાજપ સરકારની ગુન્હાહિત બેદરકારી સામે આવી : લમ્પી વાયરસથી એકપણ પશુનુ મોત થયુ નથી તેવુ ખોટુ નિવેદન આપનાર પશુપાલન મંત્રી માફી માંગે
અમદાવાદ
‘સુરત જીલ્લાના માંગરોળ તાલુકામાં લમ્પી વાયરસથી એક પણ પશુનુ મોત નથી થયું તેવા રાજ્યના પશુપાલન મંત્રીશ્રીએ ૨૭ ઓગષ્ટના રોજ નિવેદન આપ્યું હતું’. લમ્પી વાયરસ થી ગાયોના મોત મુદ્દે રાજ્યના મંત્રીશ્રીનું જુઠ્ઠાણું પોષ્ટમોર્ટમ રીપોર્ટમાં ખુલ્લુ પડ્યું. ગાયમાતાના નામે સત્તા મેળવનાર ભાજપાએ ગાયમાતા સાથે વિશ્વાસઘાત કરી રહી છે.
ગાયમાતાના ચિકિત્સા-સારવારમાં સદંતર નિષ્ફળ ભાજપા સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, માંગરોળ તાલુકાના વેરાકુઈ ગામ સહિત આસપાસના વિસ્તારના ગામોમાં લમ્પી વાયરસના કારણે પશુઓના મોત થયા હતા છતાં તા. ૨૭ ઓગસ્ટના રોજ રાજ્યના પશુપાલન મંત્રીએ વેરાકુઈ, બોરીયા ગામની ઉડતી મુલાકાત લઈ લમ્પી વાયરસના કારણે એકપણ પશુનું મોત માંગરોળ તાલુકામાં થયું નથી તેવુ જાહેર નિવેદન આપ્યું હતું. જે અંગે કોંગ્રેસ પક્ષના સ્થાનિક આગેવાનોએ વેરાકુઈ ગામ સહિત આસપાસના વિસ્તારના ગામોની મુલાકાત લીધી હતી અને મરણ થયેલ પશુના પોષ્ટમોર્ટમ કરાવતા લમ્પી વાયરસના કારણે પશુઓના મોત થયા હોવાનું બહાર આવ્યું છે. ૩૩ કરોડ દેવતાનો જેમા વાસ એવા હિન્દુ ધર્મની આસ્થાનુ પ્રતિક ૪.૪૨ લાખ ગૌમાતાઓની સારવાર, નિભાવ અને ન્યાય આપવામાં નિષ્ફળ ભાજપા સરકારે ગુજરાતની જનતા બાદ ગાયમાતા સાથે પણ વિશ્વાસઘાત કર્યો છે.
એક વર્ષ પહેલા ગુજરાત રાજ્યના 18 જિલ્લાના 4 હજાર થી વધુ ગામોમાં લમ્પી વાઈરસની અસર મોટા પાયે જોવા મળી હતી, જે વિસ્તારમાં લમ્પી ગ્રસ્ત ગાયો વધુ છે ત્યાં દૂધ ઉત્પાદન સૌથી વધુ ઘટ્યું હતું. પશુ ડોક્ટરોના પદ ખાલી – ન દવા – ન સુવિધા, રજીસ્ટર ગૌશાળાઓ અને પાંજરાપોળોમા પોતાના જીવન અસ્ત્તિત્વ સામે લડી રહેલી ગૌમાતા માટે નિષ્ઠુર ભાજપા સરકારનુ રુવાડુ પણ ફરકતુ નથી. ન દવા – ન સુવિધા. કઈ રીતે બચશે ગાયમાતા ? ભાજપ સરકારની ગુન્હાહિત બેદરકારી કોરોના કાળમાં ડોક્ટરો – પેરામેડીકલ સ્ટાફને અભાવે મોટા પાયે ગુજરાતના નાગરિકો મોતને ભેટ્યા તેવી જ રીતે લમ્પી વાયરસમાં સારવારના અભાવે ગાયમાતા મુંગા પશુઓ મોતને ભેટી રહ્યા છે. ગુજરાતમાં પશુચિકિત્સક, ડ્રેસર સહિત સારવાર માટેની મોટા પાયે જગ્યાઓ ખાલી છે. ૧૦ થી વધુ જીલ્લાઓમાં મુગા-પશુઓની સારવાર માટે એકપણ ડ્રેસર ઉપલબ્ધ નથી. ગુજરાતમાં પશુચિકિત્સકની ૨૯૦ જગ્યાઓ ખાલી છે, પટાવાળા કમ એટેંડન્ટની ૨૯૪ જગ્યા ખાલી છે. પટાવાળાની ૪૦૫ જગ્યાઓ ખાલી છે. ગુજરાતમાં ૯૬,૩૪,૦૦૦ ગાયો સામે સારવાર માટે માત્ર ૩૬૭ ચિકિત્સક અધિકાર એટલે કે ૨૬,૨૫૧ ગાયોની સારવાર માટે એક પશુધન ડોક્ટર છે. ૩૭,૭૮૦ ગાયોના નિરીક્ષણ માટે માત્ર એક પશુ નિરીક્ષક ઉપલબ્ધ છે. સરકારના નિયમ મુજબ 10 ગામદીઠ અથવા 10 હજાર પશુ દીઠ એક નિરીક્ષક હોવા જોઈએ. હકીકત રાજ્યમાં કુલ પશુધન અને ગામોની સંખ્યા પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 15 વર્ષથી માત્ર 20-30 ટકા થી કામગીરીના લીધે લમ્પી ગ્રસ્તમાં સમગ્ર તંત્રની પોલ ખુલી ગઈ છે. સુરત, ડાંગ, નર્મદા, ગીર સોમનાથ, પોરબંદર, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, છોટા ઉદેપુર, અમદાવાદ, વડોદરા જીલ્લાઓમાં પશુધનની સારવાર-નિરીક્ષણ માટે પુરતા સ્ટાફને અભાવે પશુધનની પરિસ્થિતિ સતત કથળી રહી છે. લમ્પી વાયરસને રોકવા ભાજપ સરકાર પાસે કોઈ નક્કર યોજનાના અભાવે માત્ર કચ્છમાં જ હજારો ગાયમાતાના મોત થયાની વિગતો જે તે સમયે સામે આવી હતી. “જ્યાં રસી હોય ત્યા સ્ટાફ ન હોય, જ્યાં સ્ટાફ હોય ત્યા રસી ના હોય” આ ભાજપની ગૌમાતા પ્રત્યે નકલી પ્રેમની પોલ ખોલી નાખી છે. ત્યારે ભાજપ સરકાર પશુચિકિત્સક અધિકારી વર્ગ-૨, ડ્રેસર, એટેંડન્ટની, પશુ નિરિક્ષક સહિતની પશુ દવાખાનામાં ખાલી પડેલ જગ્યા તાકીદે ભરે, રાજ્યમાં લમ્પી વાયરસને કારણે મોતને ભેટેલ ગાયમાતા, પશુધનના સાચા આંકડા જાહેર કરવામાં આવે અને લમ્પી વાયરસની સામે સરકારી તંત્ર ગાયમાતા સહિતના પશુધનને બચાવવા માટે વિશ્વાસ પડે તેવા વાસ્તવિક પગલા ભરે.