કોવિડ-19 મહામારી દરમિયાન શાળાઓ બંધ હોવા છતાં શિક્ષણ ચાલુ રહે, અભ્યાસમાં સાતત્ય જળવાય એ માટે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા હોમ લર્નિંગના વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો પહોંચાડવામાં આવ્યાં છે, દૂરદર્શનની ડીડી ગિરનાર ચેનલ પર ધોરણ ૩ થી ૧૨ ના વિદ્યાથીઓ માટે પ્રસારણ કરવામાં આવે છે. ધોરણ ૧ થી ૮ ના વિદ્યાર્થીઓને દર માસે ‘ઘરે શીખીએ’ પુસ્તિકા પણ આપવામાં આવે છે. ઘણી શાળાઓમાં વર્ચુઅલ ક્લાસરૂમ પણ ચલાવવામાં આવે છે. આ ઉપરાંત વંદે ગુજરાત ચેનલ અને યુટ્યુબ ચેનલ પર પણ શૈક્ષણિક કાર્યક્રમો જોઈ શકાય છે.
શિક્ષણ વિભાગના જણાવ્યા અનુસાર સતત મૂલ્યાંકન એ અધ્યયન-અધ્યાપન પ્રક્રિયાનો ભાગ છે. જેના આધારે વિદ્યાર્થીની કચાશ જાણીને ઉપચારાત્મક શિક્ષણકાર્ય થઇ શકે છે. આ એકમ કસોટી કોઈ ઔપચારિક પરીક્ષા નથી, પરંતુ સતત મૂલ્યાંકનનો ભાગ છે. આ કસોટીના પરિણામોના આધારે શિક્ષક ઉપરાંત શિક્ષિત વાલીઓ પણ પોતાનાં બાળકોની કચાશ જાણીને જરૂરી માર્ગદર્શન આપી શકે છે. આ ઉપચારાત્મક શિક્ષણ ઉપરાંત, ‘હોમ લર્નિંગ કાર્યક્રમો’ અંતર્ગત જરૂરી ફેરફારો કરી શકાય એ પણ એક હેતુ છે.
રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આગામી તા. ૨૯-૩૦ જુલાઈ દરમિયાન ધોરણ ૩ થી ૧૨ ના તમામ વિદ્યાર્થીઓ માટે એકમ કસોટીનું આયોજન કરવામાં આવેલ પરંતુ, વિદ્યાર્થીઓને કસોટીની પ્રિન્ટ આઉટ પહોંચાડવા તેમજ વિદ્યાર્થીઓએ લખેલા જવાબો શાળામાં પરત પહોંચાડવા અને જવાબો ચકાસવા અંગે વિવિધ શિક્ષક સંઘો અને શાળાઓ તરફથી મળેલ રજૂઆત સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા સઘન વિચારણા કરવામાં આવી હતી અને એકમ કસોટીના આયોજનમાં સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. જેમ કે દરેક વિદ્યાર્થીને એકમ કસોટીની પ્રિન્ટ આઉટ પહોંચાડી શકાય એમ ન હોય તો સોશિયલ મીડિયાના માધ્યમથી પણ પહોંચાડી શકાશે. દરેક વિદ્યાર્થી પાસે પાઠ્યપુસ્તકો છે . ધોરણ ૩ થી ૮ ના ભાષા અને ગણિતના પાઠ્યપુસ્તકના પહેલા પાઠમાં આપેલ પહેલો QR Code સ્કેન કરવાથી પણ એકમ કસોટીનું પ્રશ્નપત્ર જોઈ શકાશે. આ ઉપરાંત GCERT અને GSHSB ની વેબસાઈટ પર પણ પ્રશ્નપત્રો જોઈ શકાશે. આમ, વિદ્યાર્થીઓ સુધી એકમ કસોટીઓ પહોંચાડવા માટે અન્ય સુવિધાઓ કરી આપવામાં આવી છે. આ કસોટીઓની પ્રિન્ટ આઉટ પહોંચાડવી, વિદ્યાર્થી દ્વારા પ્રશ્નોના જવાબો લખવા, વિદ્યાર્થીએ લખેલા જવાબોની નોટબૂક શાળામાં પરત જમા કરાવવી વગેરે જેવી કામગીરી સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ૩૧ જુલાઈને બદલે ૧૦ મી ઓગસ્ટ સુધીમાં પૂર્ણ કરી શકાશે.