અંગદાન ક્ષેત્રે અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા કરવામાં આવી રહેલ કામગીરીનું નિરીક્ષણ કર્યું : અંગદાતાઓની સ્મૃતિમાં બનાવેલ “અમર કક્ષ”ની મુલાકાતથી મંત્રી પ્રભાવિત થયા
અમદાવાદ
આયુષ્યમાન ભવ: કાર્યક્રમના શુભારંભ માટે ગુજરાતના મહેમાન બનેલા કેન્દ્રીય રાજ્ય આરોગ્ય મંત્રી એસ.પી.સિંઘ બાધેલ અમદાવાદ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી.સમગ્ર દેશમાં એક જ વર્ષમાં સરકારી હોસ્પિટલમાં સૌથી વધુ અંગદાન કરનાર અમદાવાદ સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈને અંગદાનની સેવાકીય પ્રવૃતિ અને કામગીરીનુ જાત નિરીક્ષણ કર્યું હતું.મંત્રીશ્રી એ હોસ્પિટલમાં અંગદાનના સેવાકીય કાર્ય સાથે જોડાયેલ તબીબો, નર્સિંગ સ્ટાફ, કાઉન્સેલર્સ સાથે અંગદાન સંદર્ભે ઉંડાણપૂર્વકની જાણકારી મેળવી હતી.મંત્રીશ્રી ની આ મુલાકાતમાં અધિક મુખ્ય સચિવ શ્રી મનોજ અગ્રવાલ , અધિક નિયામકશ્રી ડૉ. આર દિક્ષિત, GUTS ના વીસી અને SOTTOના કન્વીનર ડૉ. પ્રાંજલ મોદી, યુ.એન.મહેતા હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ. ચિરાગ દોષી અને સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રજનીશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.તેઓએ મંત્રીશ્રીને અંગદાન સંલગ્ન તમામ બાબતોથી ઊંડાણપૂર્વક માહિતગાર કર્યા હતા.મંત્રીશ્રી એ અંગદાન બાબતે વિગતવાર માહિતી મેળવીને અંગદાનને પોતાના પ્રદેશ અને રાષ્ટ્રવ્યાપી પ્રોત્સાહિત કરી શકાય તે માટે સંપૂર્ણ SOP બાબતે જાણકારી મેળવી.મંત્રીએ અંગદાતાઓની સ્મૃતિમાં સિવિલ હોસ્પિટલમાં બનાવેલ “અમર કક્ષ”ની મુલાકાત લઈને તમામ અંગદાતાઓની વિગતો નિહાળીને બિરદાવી હતી.તેઓએ હોસ્પિટલમાં કાર્યરત રીટ્રાઇવલ સેન્ટર, ઓપરેશન થીયેટર અને ICUની મુલાકાત લીધા બાદ U. N. Mehta હોસ્પિટલ ખાતે હૃદય પ્રત્યારોપણનું ઓપરેશન નિહાળવા U. N. Mehta હોસ્પિટલની મુલાકાત લીધી. સિવિલ હોસ્પિટલમાં અંગદાનની સેવાકીય પ્રવૃતિ સાથે જોડાયેલ તમામને બિરદાવી આગામી ૧૬મી તારીખે આગ્રામાં મળનાર મહત્વના અધિવેશનમાં અમદાવાદના અંગદાન બાબતે સચોટ માહિતી આપી શકે તેવા સિવિલના ડૉકટરોને મંત્રીએ આમંત્રિત કર્યા છે.