ગાંધીનગરના ચ – 5 સર્કલ પાસે કેમેરાના જંકશનનાં તાળા તોડી તસ્કરો અંદરથી બેટરી, યુપીએસ તેમજ એલપીયુ મળીને કુલ રૂ. 1 લાખ 47 હજારના ઉપકરણો ચોરી ગયાની વધુ એક ફરિયાદ સેક્ટર – 21 પોલીસ મથકના ચોપડે નોંધાઈ છે. તાજેતરમાં સર્કિટ હાઉસ સર્કલ તેમજ રાયસણ પેટ્રોલ પંપ પાસે લાગેલા કેમેરાના ઉપકરણો પણ ચોરાઈ જતાં એક સપ્તાહનાં ગાળામાં અંદાજીત 2 લાખ 91 હજારની કિંમતના ઉપકરણ ચોરાઈ ગયાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ ચૂકી છે.
ગાંધીનગર એક તરફ સીસીટીવી કેમેરાથી ઘેરાયેલું છે. એવામાં કોઈ ચોક્ક્સ ગેંગ દ્વારા જાહેર સ્થળોએ લાગેલા કેમેરાના ઉપકરણોની ચોરીની વારદાતને એક પછી એક અંજામ આપવા આવી રહ્યો છે. એક સપ્તાહમાં કેટલ ડીટેકશન તેમજ સ્પીડ રડાર કેમેરાના આશરે 1.44 હજારની કિંમતના ઉપકરણ ચોરી થયાની ફરિયાદ નોંધાઈ ચૂકી છે. ત્યારે વધુ એક ચોરીને અંજામ આપવામાં આવ્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે.
અમદાવાદ-સરખેજ હાઇવે ખાતે આવેલ એમનેક્સ ઇંફોટેક્નોલેજીસ પ્રા. લીમીટેડ કંપનીમાં ભાનુપ્રતાપસિંગ સિંગ છેલ્લા બે વર્ષથી આઈટી એમએસ એક્સપર્ટ તરીકે ફરજ બજાવે છે. જેઓ ગાંધીનગરમાં લગાવેલ કેમેરાનું મોનેટરીગ કંટ્રોલરૂમથી કરતા હોય છે. ગત તા. 28 જુલાઈના રોજ સાંજના ચ – 5 સર્કલ પાસેના ખૂણે આવેલ જંકશન બોક્સનો કેબલ મેટ્રો રેલની કામગીરી દરમ્યાન કપાઈ ગયો હતો. આથી ભાનુપ્રતાપસિંગ જંકશન બોક્સ ચેક કરતાં બેટરી,યુ.પી.એસ,એલ.પી.યુ ચાલુ હાલતમાં હતા. બાદમાં તેઓ ચોથી ઓગસ્ટનાં રોજ ફરીવાર તપાસ અર્થે ગયા હતા.
એ વખતે જંકશન બોક્સના દરવાજા તૂટેલી હાલતમાં જોવા મળ્યા હતા. અને અંદરથી બેટરી નં-11, તથા યુ.પી.એસ નંગ-2 તથા એલ.પી.યુ.નંગ-3 મળીને રૂ. 1.47 લાખના ઉપકરણ ચોરી થયાનું માલુમ પડયું હતું. જો કે જેતે સમયે ઉક્ત ઉપકરણનાં બિલ નહીં મળતાં ફરિયાદ કરવામાં આવી ન હતી. આ અંગે સેકટર – 21 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.