ગુજરાત યુનિવર્સિટી બદનક્ષી કેસમાં અમદાવાદ મેટ્રો કોર્ટ અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહ સામે સમન્સ નીકાળી ચૂકી છે. વળી યુનિવર્સિટીના વકીલ દ્વારા બંને આરોપીઓ કોર્ટમાં ઉપસ્થિત ન થતાં વોરન્ટ કાઢવાની માગ કરાઈ હતી, જેની સામે રાહત મેળવવા બંને આરોપીઓ સેશન્સ કોર્ટ, હાઇકોર્ટ અને સુપ્રીમકોર્ટ સુધી ગયા હતા. જ્યાંથી પણ તેમને રાહત મળી નથી. પરંતુ સુપ્રીમકોર્ટે ગુજરાત હાઇકોર્ટને આ કેસ પર નિર્ણય લેવા કહ્યું હતું. જેથી આ મુદ્દે ગુજરાત હાઇકોર્ટે બંને પક્ષોને સાંભળીને સિટી સિવિલ કોર્ટને 10 દિવસમાં અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહની રિવિઝન અરજી પર નિર્ણય લેવા કહ્યું હતું. આજે સેશન્સ કોર્ટમાં આ અંગે ચુકાદો આપવામાં આવ્યો હતો. જેમાં કોર્ટે મેટ્રો કોર્ટના સમન્સ રદ કરવાની રિવિઝન અરજી ફગાવી દીધી છે. આથી બંને આરોપી પાસે હાઈકોર્ટ જવાનો વિકલ્પ છે.
23 સપ્ટેમ્બરે મેટ્રો કોર્ટમાં આગળની કાર્યવાહી
આજે આ મુદ્દે ચુકાદો આપતાં અમદાવાદ સિટી સિવિલ કોર્ટે અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહની રિવિઝન અરજી ફગાવી દીધી છે. આથી 23 સપ્ટેમ્બરની મેટ્રો કોર્ટની મુદતમાં હવે આગળની કાર્યવાહી ચાલી શકશે. જેમાં સાક્ષીઓ તપાસવાની કાર્યવાહી આગળ હાથ ધરાશે. જોકે, મેટ્રો કોર્ટમાં બંને આરોપીઓના વકીલે અંડરટેકિંગ આપતા અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહને કોર્ટમાં ઉપસ્થિત રહેવું નહીં પડે.
આરોપીઓના વકીલને કોર્ટે 2.30 કલાક સાંભળ્યા
રિવિઝન અરજી પર સેશન્સ કોર્ટે અગાઉ આરોપીઓના વકીલને કોર્ટે 2.30 કલાક સાંભળ્યા હતા. જ્યારે ગુજરાત યુનવર્સિટીના વકીલે કોર્ટમાં 30 મિનિટ જેટલો સમય દલીલો કરી હતી. ગુજરાત યુનિવર્સિટીના વકીલોએ અગાઉ અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહના વકીલોએ કરેલ રજૂઆતનુ ખંડન કર્યું હતું.
આરોપીઓ તરફે અગાઉ રજૂઆત કરાઈ હતી કે, અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહ સામે મેટ્રો કોર્ટે ખોટા સમન્સ નીકળ્યા છે. તેના ગ્રાઉન્ડ યોગ્ય નથી. કારણ કે ગુજરાત યુનવર્સિટી સરકારી સંસ્થા છે. તે સ્ટેટની વ્યાખ્યામાં આવે છે. સ્ટેટ બદનક્ષીનો દાવો કરી શકે નહીં. એક વ્યક્તિ બીજા વ્યક્તિ પર માનહાનિનો દાવો કરી શકે છે. સ્ટેટ કોઈ વ્યક્તિ પર માનહાનિનો દાવો કરી શકે નહીં.
યુનિવર્સિટી વૈધાનિક સંસ્થા છે
જ્યારે આજે યુનિવર્સિટીના વકીલે દાવો કર્યો હતો કે, યુનિવર્સિટી વૈધાનિક સંસ્થા છે. તેને રાજ્યએ ઊભી કરી છે, પણ તે સંપૂર્ણ રીતે રાજ્ય નથી. યુનિવર્સિટી કોઈ કોન્ટ્રાક્ટ આપે અને તેનો ભંગ થાય તો યુનિવર્સિટી કેસ કરી શકે છે. આ માટે યુનિવર્સિટીના વકીલે સુપ્રીમ કોર્ટના સાત જજના બેંચના ચુકાદાને ટાંક્યો હતો. જોકે, આજના સેશન્સ કોર્ટના ચુકાદા બાદ અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહના વકીલે જણાવ્યું હતું કે, રાજ્ય કોઈ પણ વ્યક્તિ પર માનહાનિનો દાવો કરી શકે ખરી ? આ બાબત ગંભીર છે.
આરોપીઓના વકીલે ગત સુનાવણીમાં કહ્યું હતું કે, યુનિવર્સિટીએ મેટ્રો કોર્ટ સમક્ષ યોગ્ય પૂરાવા મૂક્યા નથી. જે વીડિયો ટ્રાયલ કોર્ટ સમક્ષ મુકાયા છે તેને ચકાસવામાં આવ્યા નથી. બંને આરોપીઓના ટ્વિટર હેન્ડલ વેરિફાય કરાયા નથી. વળી જે લોકો સાક્ષી બન્યા છે. તે યુનિવર્સિટીના જ કર્મચારીઓ છે. આ મુદ્દે યુનિવર્સિટીના વકીલે દલીલ કરી હતી કે, સંપૂર્ણ વીડિયો મેટ્રો કોર્ટે જોયા છે. ચાર સાહેદો ચકાસ્યા છે. ત્યારબાદ આરોપીઓ સામે સમન્સ નીકળ્યા છે. વળી રિવિઝન અરજીમાં પૂરાવા ઉપર પ્રશ્ન ન ઉઠાવી શકાય. તે મુદ્દે ટ્રાયલ કોર્ટ નિર્ણય કરશે.