ગાંધીનગરમાં કર્મચારીઓની ગતિવિધિની રેકી કરી મોકો મળતાં જ બંધ સરકારી મકાનના તાળાં તોડી ચોરીના ગુનાને અંજામ આપનાર વાવોલ ગ્રીન સીટી સોસાયટીમાં રહેતાં 25 વર્ષનાં બે ઘરફોડ ચોરને લોકલ ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડી કુલ. 1 લાખ 55 હજાર 694 નો મુદ્દામાલ જપ્ત કરી 14 ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે.
ગાંધીનગરનાં સેકટર – 21 તેમજ 7 પોલીસ મથકની હદ વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીનાં ગુનાનો ભેદ ઉકેલવા રેન્જ આઈજી વીરેંદ્રસિંહ યાદવ અને જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમસેટ્ટીએ લોકલ ક્રાઇમ બ્રાંચને ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. જે અન્વયે ક્રાઇમ બ્રાંચનાં પીઆઈ દિવાનસિંહ વાળાએ ઘરફોડ ચોરીના ગુનાની મોડસ ઓપરેન્ડી પર ધ્યાન કેંદ્રિત કરતા મોટાભાગે બંધ સરકારી મકાનોના ચોરી થયાનું બહાર આવ્યું હતું.
આ દરમિયાન મળેલી બાતમીના આધારે નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમના સીસીટીવી કેમેરાનું સતત ત્રણ દિવસ સુધી મોનીટરીંગ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં એક વેગનઆર કાર તેમજ શંકાસ્પદ બાઇક કેમેરામાં કેદ થયેલા જોવા મળ્યા હતા. જે સીસીટીવી ફૂટેજની છણાવટ કરીને ગાંધીનગરનાં વાવોલ ગ્રીન સીટી બ્લોક નંબર – એ/3 માં રહેતા 25 વર્ષીય હર્ષદ ઉર્ફે હર્ષ મહેંદ્રભાઈ દરજી (મૂળ રહે. ટીબી હોસ્પિટલ પાસે, વિજાપુર) તેમજ રાજપાલસિંહ દિલીપસિંહ ચૌહાણને (રહે. ગ્રીન સિટી સોસાયટી બ્લોક નંબર – બી/8, મુળ વતન ગામ-બાસન) ઉઠાવી લેવામાં આવ્યા હતા.
આ બંને પાસેથી બે બાઇક, ખાતરીયું તથા ડીસમીસ, સોનાના દાગીના, એલઈડી ટીવી તેમજ પાંચ મોબાઇલ ફોન મળી આવતાં એલસીબીએ બંનેનું વૈજ્ઞાનિક ઢબે ઈટ્રોગેશન શરૂ કર્યું હતું. જેનાં પગલે બન્ને એલસીબી પીઆઈ વાળા સમક્ષ ભાંગી પડ્યા હતા. અને અત્યાર સુધીની સુધીમાં ચોરીના ચૌદ ગુના આચર્યા હોવાની કબૂલાત કરી હતી. જેઓ પાસેથી કુલ રૂ. 1 લાખ 55 હજાર 698 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આ અંગે પીઆઈ વાળાએ કહ્યું હતું કે, બંને ઘરફોડ ચોર પૈકી હર્ષદ ઉર્ફે હર્ષ દરજી માસ્ટર માસ્ટર માઈન્ડ છે. જે ભૂતકાળના સચિવાલયમાં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર નોકરી કરતો હતો. બાદમાં રાજપાલસિંહ ચૌહાણને સાથે રાખી ઘરફોડ ચોરીના ગુના આચરવાની શરૂઆત કરી હતું. બન્ને મોટાભાગે સરકારી મકાનોને જ ટાર્ગેટ કરતા હતા. જેનાં માટે દિવસ દરમ્યાન જેતે કર્મચારીની દરેક ગતિવિધિ ઉપર નજર રાખવા બાઈક ઉપર રેકી કરતાં હતાં.
ઉપરાંત કર્મચારી કેટલા વાગે ઘર બંધ કરીને જાય છે. અને સાંજે કેટલા વાગે પરત ફરે એની સઘળી વિગતોની રેકી કરતા હતા. બાદમાં દિવસ દરમ્યાન બંધ સરકારી મકાનનાં તાળાં ખાતરીયું તથા ડીસમીસથી તોડી નાખી ઘરફોડ ચોરીને અંજામ આપતા હતા. બંનેએ સેકટર – 21 પોલીસની હદમાં 4 તેમજ સેકટર – 7 પોલીસની હદમાં 2 મળીને 6 ચોરીના ગુના સિવાય અન્ય સેક્ટરોમાં પણ 8 ઘરફોડ ચોરીના ગુનાની કબૂલાત કરી છે. જેની હાલમાં તપાસ ચાલી રહી છે.