આગામી જાન્યુઆરી માસમાં યોજાનાર વાયબ્રન્ટ સમિટને લઇને શહેરના બ્યુટીફિકેશન પર ખાસ ધ્યાન અપાયું રહ્યું છે ત્યારે મહાનગરપાલિકા દ્વારા શહેરના બ્રિજની નીચે અને વિવિધ ડિઝાઇન પેઇન્ટીંગ કરાશે. અમદાવાદ અને સુરત જેવા મહાનગરોની જેમ ગાંધીનગરના પુલની નીચે પણ વિવિધ ડિઝાઇન પેઇન્ટ કરાશે જેથી પુલ વધુ આકર્ષક બનશે.
જાન્યુઆરીમાં 5 વર્ષના અંતરાય બાદ વાયબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમિટમાં દેશભરના અગ્રણીઓ ઉપરાંત વિદેશી મહાનુભાવો પણ મોટી સંખ્યામાં ગાંધીનગરના મહેમાન બનશે. આ દરમિયાન તેઓ એરપોર્ટથી ગાંધીનગર આવશે જેથી આ રૂટ પરના બ્રિજ અને અન્ય સ્થળોને બ્યુટીફાય કરવાની કવાયત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે. જેનું અત્યારથી જ આયોજન કરવામાં આવ્યું છે.
મહાનગરપાલિકા દ્વારા ઘ-4 અને ગ-4ના અન્ડરપાસ ઉપરાંત એસજી હાઇવે પર ઘ-0 અને ખ-0ના ઓવરબ્રિજ ઉપરાંત નવા બનેલા રક્ષાશક્તિ બ્રિજની નીચેની દિવાલો અને પિલ્લર પર વિવિધ કલરફૂલ ડિઝાઇન બનાવીને પેઇન્ટિંગ કરવામાં આવશે. આ કામગીરી પાછળ 2 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ માટેના ટેન્ડર સહિતની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. દિવાળી બાદ કામગીરી શરૂ કરીને વાયબ્રન્ટ સુધીમાં તમામ બ્રિજ કલરફુલ બને તેવું આયોજન છે. વાહનોની અવરજવરને કારણે સર્જાતા કાર્બન અને વરસાદ તેમજ ધૂળ સામે ટકી રહે તેવા કલરથી આ ડિઝાઇન તૈયાર કરવામાં આવશે જેથી વાયબ્રન્ટ બાદ પણ લાંબા સમય સુધી પુલની નીચેની ડિઝાઇન યથાવત રહે અને ત્યાંથી પસાર થતા લોકો તેને માણી શકે.