અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના વાંકા ટીંબા ગામમાં બાયડના ધારાસભ્યના ઘરે તસ્કરોએ લૂંટ મચાવી હતી. આ તસ્કરોએ રાત્રી દરમિયાન પૂર્વ એસ.પી અને હાલમાં ભાજપના ભિલોડાના ધારાસભ્ય પી. સી બરંડાના ઘરે લૂંટ કરીને ફરાર થઇ ગયા હતા. ધારાસભ્યના પત્ની ઘરે એકલા હતા તેમને ઘરમાં બંધક બનાવીને તસ્કરોએ લૂંટ આચરી હતી. ઘટનાને પગલે પોલીસનો કાફલો ધારાસભ્યના ઘરે પહોંચ્યો છે.
પોલીસે બે શંકાસ્પદોને ઝડપી પાડ્યા છે. આ શંકાસ્પદોની સઘન પૂછપરછ હાથ ધરાઇ છે. આ સાથે પોલીસે અનેક ટીમો બનાવીને અનેક વિસ્તારોમાં સધન તપાસ કરી રહ્યા છે. આ અંગે પી.સી. બરંડાના પત્નીએ પોતાની આપવીતી પણ સંભળાવી હતી.
આ અંગે પોલીસે આપેલી માહિતી પ્રમાણે, અરવલ્લીના વાંકાટીબા ગામ ખાતે ધારાસભ્ય પી. સી. બરંડાના ઘરમાં બે લોકોએ પ્રવેશ કરીને ચોરી કરી હતી. આ દરમિયાન તેમણે ધારાસભ્યના પત્નીને બંધક બનાવ્યા હતા. તેમણે ઘરના બેડરૂમમાં આવેલી તિજોરીમાંથી સોના ચાંદીના ઘરેણા અને રોકડ રકમની ચોરી કરી હતી. હાલ આ મુદ્દામાલ કેટલાનો છે તે અંગેની તપાસ ચાલી રહી છે. હાલ એફએસએલની ટીમ તથા ડોગ સ્કોવડની ટીમ કામ કરી રહી છે. શંકાસ્પદોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.
આ લૂંટ અંગે ધારાસભ્ય પીસી બરંડાએ જણાવ્યુ છે કે, “ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલતુ હતુ એટલે હું ગાંધીનગર હતો અને અહીં મારા પત્ની એકલા હતા. રાતે ત્રણ વાગ્યાની આસપાસ મારા પત્નીનો ફોન આવ્યો હતો. ત્યારે જ તેણે મને આ અંગેની જાણ કરી દીધી હતી. એટલે હું ગાંધીનગરથી મારા ઘરે પહોંચી ગયો હતો. આ અંગે તેમણે મને કહ્યુ હતુ કે, રાતે બેથી સડાત્રણની વચ્ચે બે બુકાનીધારીઓએ ઘરમાં પ્રવેશ કર્યો હતો. મારા પત્ની ખાટલા પર સૂતા હતા ત્યારે તેના મોં પર ડૂચો મારીને હાથ પગ પણ બાંધી દીધા હતા. જેનાથી તેમને દાંતમાં પણ ઇજા થઇ છે. આ બંને બુકાનીધારીઓએ એક કલાક જેવું ઘરમાં રહ્યા હતા. આ બે લોકો ઉપરથી ધરમાં પ્રવેશ કર્યો હતો અને ત્યાંથી જ તેઓ ગયા હતા. આ તસ્કરોએ પત્નીને કહ્યુ હતુ કે, તમને જીવતા રાખ્યા છે હવે તમે કમાઇ લેજો. જે બાદ મારા પત્નીએ ફોન કરીને મને જાણ કરી હતી.”
ધારાસભ્ય પી. સી. બરંડાના પત્ની ચંદ્રિકાબેન ડામોરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, “હું રાતે સડા અગિયાર વાગ્યાની આસપાસ સૂતી હતી. ત્યારે જ મને કાંઇક અવાજ આવ્યો હતો એટલે મેં બૂમ પણ પાડી હતી અને અડધો કલાક લાઇટો ચાલુ રાખી હતી. જે બાદ સવા બે વાગ્યા સુધી જાગતી હતી. તે બાદ મને થોડી નિંદર આવી ગઇ હતી. ત્યારે પોણા ત્રણ વાગે મને બાંધી દેવામાં આવી હતી. આશરે પોણા ત્રણથી મારા હાથ અને પગ બાંધીને મોંમાં ડૂચો નાંખી દેવામાં આવ્યો હતો. મારી પર દોદડું પણ નાંખવામાં આવ્યુ હતુ.
તેમણે વધુમાં જણાવ્યુ કે, આ દરમિયાન છૂટવા માટે મેં ઘણો જ પ્રયત્ન કર્યો બે વખત તો મેં અફરાતફરી કરીને મેં હાથ-પગ છોડાવી દીધા હતા. પરંતુ પછી તેમણે મને ધમકી આપી હતી કે, ચુપ થઇ જા નહીં તો મારી નાંખીશ. ત્રીજીવાર પણ મને બાંધી દીધી હતી. આ બધું ચાર વીસ સુધી ચાલ્યું. આ દરમિયાન મને ધમકી આપતા હતા કે, મરી જવું છે? ચુપ થઇ જા. જે બાદ બે થેલીઓ લઇને તેઓ અંદરથી બહાર આવ્યા.”
આ સાથે તેમણે જણાવ્યુ કે, “પછી મને પૂછવા લાગ્યા કે, બતાવી દે થપ્પી ક્યાં છે અને મારી પર પણ ચેક કર્યુ કે, શું પહેર્યુ છે તે પણ આપી દે. પછી એમને મેં ગળામાં પહેરેલી સોનાની ચેઇન આપી દીધી. ત્યારે તેઓ જોઇને કહેવા લાગ્યા કે, આ તો બહુ પાતળી છે. આ નથી જોઇતી તું રાખ. પરંતુ પોલીસ સ્ટાફે આવીને જોયું તો તે પણ ન હતી. જતા જતા ગાડીની ચાવી પણ માંગતા હતા. પછી આ લોકોએ જતા જતા એમ પણ કહ્યુ હતુ કે, તને છોડી દઇએ છીએ, તને નુકસાન નથી કર્યુ તું કમાઇ લેજે. જતા જતા તેમણે ગોદડું ખાટલા પર પાથરીને મને કહ્યુ કે હવે આની પર સૂઇ જા.”