સુરત જિલ્લા પોલીસ વિભાગના એક હેડ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયા છે. 50 હજારની લાંચ લેતા તેઓ એસીબીના હાથે ઝડપાયા છે. પ્રોહિબીશનના ગુનામાં નામ જાહેર ન કરવા માટે લાંચ માંગવામાં આવી હતી. પરંતુ ફરિયાદીએ લાંચ ન આપીને એસીબીનો સંપર્ક કરતાં ટ્રેપ ગોઠવવામાં આવી હતી. આ ટ્રેપમાં હેડ કોન્સ્ટેબલ આબાદ ઝડપાઈ ગયા હતા.
સુરત જિલ્લાના પોલીસ સ્ટેશનમાં અનેક પોલીસ કર્મચારીઓ બેફામ લાંચ માંગતા હોય છે. લાંચ માંગતા અધિકારીઓ સામે ફરિયાદ કરીએ તો એસીબી દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય છે. પરંતુ લોકો પણ પોતાના કામ કરાવવા માટે લાંચ આપીને જે તે કર્મચારીને લાંચ લેવા માટે પ્રોત્સાહિત કરતા હોય છે. પરંતુ કેટલાક એવા લોકો પણ છે જે પોતાના કામને નહિં પરંતુ લાંચિયા કર્મચારીઓ સામે એસીબીને ફરિયાદ કરતા હોય છે.
સુરતના ઉમરપાડા વિસ્તારમાં થોડા સમય પહેલા પ્રોહિબીશન એટલે કે, દારૂનો એક કેસ થયો હતો. આ કેસમાં કેટલાક આરોપીઓને વોન્ટેડ બતાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત પણ કેટલાક આરોપીઓમાંથી એક આરોપીનું નામ નહીં ખોલવા માટે હેડ કોન્સ્ટેબલ પ્રફુલ પટેલ દ્વારા 50 હજારની લાંચની માંગણી કરવામાં આવી હતી. આ કર્મચારી ફરિયાદને ખોટી રીતે ફસાવવા માંગતો હોવાનું ફરિયાદને માલુમ પડી જતાં ફરિયાદી દ્વારા એસીબીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરતાં એસીબી દ્વારા એક ટ્રેપ ગોઠવવામાં આવી હતી. જ્યાં હેડ કોન્સ્ટેબલ પ્રફુલ પટેલ લાંચ લેતા આબાદ ઝડપાઈ ગયો હતો.
સુરત એસીબી દ્વારા બે દિવસમાં ત્રણ રેડ કરીને પાંચ જેટલા લાંચિયા કર્મચારીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. એસીબી હજુ આગામી દિવસોમાં પણ આવા લાંચિયા અધિકારી કર્મચારીઓ સામે કાર્યવાહી કરતી રહે તે જરૂરી છે.