ગાંધીનગરમાં જરૂરતમંદ ભૂખ્યા લોકોની જઠરાગ્નિ ઠારવા અમદાવાદની જીવન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા માત્ર 20 રૂપિયામાં પૌષ્ટિક ભોજન માટેનો જીવન પ્રસાદ ઘરનો સેકટર – 6 અપના બજાર નજીક શરૂ કરી અનોખી સેવાની ધૂણી પ્રજ્વલિત કરવામાં આવી છે. હવેથી દરરોજ સવારે 11.30 થી બપોરના દોઢ વાગ્યા સુધી કોઈપણ જરૂરતમંદ ભૂખ્યા વ્યક્તિને નજીવા દરે ભરપેટ ભોજનનો લાભ મળતો રહેશે.
કહેવાય છે કે માનવ સેવા એ જ પ્રભુ સેવા છે. ભૂખ્યાને ભોજન આપવું એ મહાદાન કહેવાય છે. ભૂખમાં તલપતા પ્રાણીને ભોજન દેનારના અંતરમાં કદાચ થોડો સંતોષ કે દાન દેવાનો આનંદ થતો હશે પરંતુ ભોજન પ્રાપ્ત કરનારના અંતરમાં ઈશ્વરનો વ્યક્ત થતો ઉદ્ગાર બહુ શક્તિમાન હોય છે અને એ ઉદ્ગાર ભોજન આપનારને જીવનભર ન્યાલ કરી દે છે. વાત છે ગાંધીનગરમાં જીવન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવેલ જીવન પ્રસાદ ઘરની.
કોઇ ભૂખ્યો રહી ન જાય અને ભૂખ્યાને ભોજન મળી રહે એવા સંકલ્પ સાથે જીવન ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના અમદાવાદ મુકામે વર્ષ – 2014 માં નિલેશ જાનીએ તેમના મિત્રો સાથે મળીને કરી છે.આ ટ્રસ્ટ વિવિધ સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો કરતું આવેલ છે. અત્યારની પ્રવર્તમાન મોંઘવારીના સમયમાં પણ આ ટ્રસ્ટ ખુબજ મહત્વનો ભાગ ભજવી રહ્યું છે.
આ ટ્રસ્ટે પ્રથમ લોકડાઉન સમયે નાના અને જરૂરિયાત મંદ લોકોને અનાજ કરીયાણાની કિટો ઘરે ઘરે જઈને આપેલ.ત્યારબાદ થોડું માર્કેટ ખુલ્યું એ સમયે હોટલો અને ખાણીપીણી બજાર મહદ અંશે ચાલતું જોઈ જરૂરિયાત વાળી ભૂખી વ્યક્તિને શુદ્ધ અને સાત્વિક ભોજન મળી રહે તે હેતુ થઈ અમદાવાદના વિવિધ વિસ્તારમાં નિત્ય શુદ્ધ – સાત્વિક અને વૈવિધ્ય પૂર્ણ ભોજન તદ્દન નજીવી એવી રૂ. 10 માં પીરસતા આવેલ છે.
કોરોનાંમાં અવસાન પામવાની સંખ્યામાં ખૂબ મોટો વધારો દેખાતા ટ્રસ્ટ ઘ્વારા શ્રધ્ધાંજલી પ્રસાદ સેવા ચાલુ કરવામાં આવી હતી. જેમાં મૃત્યુ પામનારના ઘરે 25 વ્યક્તિનું જમવાનું એક સમય માટે તદ્દન નિઃશુલ્ક પહોંચતું કરવામાં આવતુ હતું. આ ઉપરાંત ટ્રસ્ટ ઘ્વારા આઠ પરિવારોને દત્તક લીધેલ છે જેમને સમાજમાં ગર્વભેર જીવી શકે તેવી આર્થિક અને સામાજિક મદદ પણ જીવન ચેરીટેબલ ટ્રસ્ટના માધ્યમથી નિલેશભાઈ જાની અને તેમના મિત્રો કરી રહેલ છે.
ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થાના માધ્યમથી નિલેશભાઈ જાની અમદાવાદ શહેરમાં છેલ્લા ત્રણ વર્ષથી ગોતા, સુભાસબ્રીજ, દૂધેશ્વર અને ઈન્કમટેકસ મુકામે જીવન પ્રસાદ ઘર ચલાવી રહ્યા છે. જ્યાં જરૂરિયાત વાળી ભૂખી વ્યક્તિઆઓને ભોજન પ્રસાદ સ્વરૂપે પિરસાય છે. જ્યાં નિત્ય બે હજારથી પણ વધુ લોકોની ભૂખ શાંત થાય છે. આ સેવા કાર્યથી 30 થી પણ વધુ જરૂરિયાત વાળી બહેનોને રોજગારી મળે છે.
હવે આ સેવા નિલેશભાઈ જાનીએ આજ રોજથી ગાંધીનગરમાં સેક્ટર – 6 અપના બજાર ની પાસે શરૂ કરી છે. જેમાં માત્ર નજીવી ટોકન રકમથી જરૂરિયાત વાળી ભૂખી વ્યક્તિ ભોજન લઇ શકશે. સાથે પાર્સલ પણ કરી આપે છે. અને આપ ટિફિન લઈને જાવતો ટિફિન પણ ભરી આપે છે. જાણીને નવાઈ લાગશે પણ ટ્રસ્ટ દ્વારા માત્ર 10 રૂપિયામાં દાળભાત, ખીચડી, પુલાવ તેમજ 20 જ રૂપિયામાં શાક રોટલી, ભાજીપાઉ અને દાલબાટી પણ ભોજન પ્રસાદ રૂપે પીરસવામાં આવે છે. ત્યારે આ ટ્રસ્ટની પહેલને નગરજનો પણ બિરદાવી રહ્યા છે.