ગત રાત્રે રાજ્યના મુખ્યમંત્રીને અમદાવાદ તરફ રવાના થવાના સમયે અચાનક મેઘરાજાનું આગમન થતાં ગાંધીનગરનાં તપોવન સર્કલની ચારે દિશામાં અઢી કિલોમીટરનો ટ્રાફિક જામ થઇ જતાં જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ સેટ્ટીએ ખડેપગે પોણો કલાક સુધી મોરચો સંભાળ્યો હતો. પોલીસ વડાએ ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવતાં ફરજ પરના પોલીસ કર્મચારીઓ પણ પોતાની ફરજ દરમિયાન રહેતી કચાશનાં કારણો શોધવા મનોમંથન કરવા લાગ્યા હતા.
અમદાવાદના ટ્વિન સિટી તરીકે વિકસી રહેલા ગાંધીનગરમાં ટ્રાફિકન સમસ્યા પણ વકરી રહી છે. સરખેજ-ગાંધીનગર હાઈવે તથા કોબા-વિસત હાઈવે સહિત અનેક સ્થળે ટ્રાફિક જામની સ્થિતિ ઊભી થતી હોય છે. શનિવારે રાત્રે ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી વીઆઈપી બંદોબસ્તના ચેકિંગ માટે નીકળ્યા હતા. ત્યારે 8.30ના અરસામાં તપોવન સર્કલ પર અઢી કિમી લાંબો ટ્રાફિક જામ થયો હોવાનું જોઇને આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા.
એક તરફ મુખ્યમંત્રી અમદાવાદ તરફ રવાના થઈ રહ્યા હતા. તો રાત્રિના સમયે ગાંધીનગર અને અમદાવાદમાં વરસાદના હળવાથી મધ્યમ ઝાપટાં અનુભવાઈ રહ્યા હતા. બીજુ બાજુ વાહનોની લાઈન સતત લાંબી થઈ રહી હતી. આ જોઈને એસપીએ ટ્રાફિક પીઆઈને સ્થળ પર પહોંચવા માટે સૂચના આપી હતી. જો કે તેમને આવવામાં સમય લાગ્યો હોવાથી એસપીએ જાતે મોરચો સંભાળ્યો હતો.
આ દરમિયાન ટ્રાફિકની સમસ્યા હળવી નહીં થતાં ખુદ જિલ્લા પોલીસ વડા રવિ તેજાએ વરસતા વરસાદમાં ટ્રાફિક નિયમન કર્યુ હતું. અચાનક એસપી ખુદ ટ્રાફિક નિયમન માટે વરસતા વરસાદમાં સર્કલે દોડી જતા ફરજ પરના અન્ય પોલીસ કર્મચારીઓ પણ એલર્ટ મોડ પર આવીને ટ્રાફિકનું નિયમન કરાવવા લાગ્યા હતા. ત્યારે ટ્રાફિક સમસ્યા નિવારવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીને મોરચો સંભાળતા જોઈ વાહનચાલકોને પણ આશ્ચર્ય થયુ હતું.
ઉલ્લેખનીય છે કે, થોડા સમય અગાઉ રવિ તેજાએ ગાંધીનગર-કોબા વચ્ચે ટ્રાફિક જામની સમસ્યા હળવી કરવા માટે જાતે પ્રયાસ કર્યા હતા. પીડીપીયુ કટ નજીક ટ્રાફિક જામ નિવારવા માટે તેમણે બેરિકેટ્સ મૂકવા અને હટાવવાથી માંડીને એક તરફનો રસ્તો બંધ કરવા સુધીના ઉપાય અજમાવ્યા હતા. બે કલાક ઊભા રહીને તેમણે ટ્રાફિક જામનું સમાધાન બતાવ્યુ હતું. આ ઉપરાંત શહેરના પ્રવેશ દ્વાર એવા ચ – 0 સર્કલ પરનો એસપીનો પ્લાન સફળ નિવડવ્યો છે.