ગાંધીનગરના કોબા કે રાહેજા આર.એમ.સી.મશીનના કેબિનમાં ગઈકાલે રાત્રિના ગાઢ નિંદ્રામાં સુતેલા કુટુંબી બે ભાઈઓ ઉપર આજે વહેલી પરોઢિયે રિક્ષામાં આવેલા બે ઈસમો પૈકીના એક અજાણ્યા ઈસમે હથોડાનાં ઘા ઝીંકી નાસી ગયા હતા. આ મામલે હત્યાના પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જો કે આજે ઢળતી સાંજે ઘાયલ બંન્ને ભાઈઓ પૈકીના એકનું સારવાર દરમ્યાન મોત નિપજતા ઈન્ફોસિટી પોલીસે હત્યાનાં ગુનાની પણ કલમ ઉમેરીને વધુ તપાસ આદરી છે.
ગાંધીનગરના કોબા કે રાહેજા સંત વિહાર – 3 ખાતે વહેલી પરોઢિયે ગાઢ નિંદ્રામાં સુતેલા બે કુટુંબી ભાઈઓ ઉપર અજાણ્યો યુવાન હથોડાનાં ઘા ઝીંકી એકની હત્યા નિપજાવી નાસી ગયો હોવાની ફરિયાદ ઈન્ફોસિટી પોલીસ મથકના ચોપડે નોંધવામાં આવી છે. મૂળ તલોદનાં અજમેરપુરા પુંસરી ગામનો વતની 30 વર્ષીય નરેશ નટવરસિંહ સોલંકી કોબા ખાતેની સંતવિહાર- 3 નામની સાઇટ ઉપર કુટુંબી ભાઈ પિન્ટુસિંહ બાપુસિંહ સોલંકી સાથે આર.એમ.સી. પ્લાન્ટનુ મશીન ચલાવવાની નોકરી કરે છે. બંને ભાઈઓ અલગ અલગ સાઈટ ઉપર મશીન ચલાવીને ઉક્ત સ્થળે મશીનની કેબિનમાં જ સૂઇ જતાં હતાં.
ગઈકાલ રાત્રીના આશરે સાડા નવેક વાગે બંને ભાઈઓ કામકાજ પતાવી બહાર હોટલમાં જમવા માટે ગયા હતા. અને પરત આવી સગા સંબંધી મિત્રોને ફોન કરી આશરે બારેક વાગ્યા નરેશ અને પિન્ટુસિંહ સાઇટના આર.એમ.સી મશીનના કેબિનમાં સુઈ ગયા હતા. આજે વહેલી પરોઢિયે કેબિનમાં કોઈને મારવાનો અવાજ થતા જ નરેશ ઉંઘમાંથી સફાળો જાગી ગયો હતો.
આ દરમ્યાન આશરે 25 થી 30 વર્ષની ઉંમરનો અજાણ્યો યુવાન હાથમાં હથોડો લઈને પિન્ટુને માથાના ઘા ઝીંકી રહ્યો હતો. આ જોઈ નરેશ એકદમ ગભરાઈ ગયો હતો. એ અરસામાં હુમલાખોરે નરેશની ઉપર પણ હથોડાનો ઘા વીંઝયો હતો. જો કે નરેશે હાથ વચ્ચે લાવી દેતા તેને માથામાં સામાન્ય ઈજાઓ થવા પામી હતી. એટલે વધુ મારમાંથી બચવા માટે નરેશે બુમાબુમ કરી મૂકતા હથોડો મૂકીને બહાર ગેટ ઉપર ઉભેલી રિક્ષામાં બેસીને ભાગી ગયો હતો.
બાદમાં સાઈટ ઉપરથી અન્ય લોકો દોડી આવીને બંને ભાઈઓને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા. બનાવની જાણ થતાં ઈન્ફોસિટી પોલીસ મથકના પીઆઈ એલ ડી ઓડેદરા પોતાની ટીમ સાથે પહોંચી ગયા હતા. અને નરેશની ફરિયાદના આધારે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કર્યો હતો. જો કે ઢળતી સાંજે પિન્ટુસિંહનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. જેનાં પગલે હત્યાની કલમ ઉમેરીને વધુ તપાસ શરૂ કરાઈ છે.