ગાંધીનગરના વાવોલના યુવાને યુટ્યુબનાં માધ્યમથી રૂપિયા કમાવવાના ચક્કરમાં રૂ. 21 લાખ 92 હજાર ગુમાવવાનો વખત આવ્યો છે. ઓનલાઇન માધ્યમથી સંપર્કમાં આવેલા ગઠિયાએ યુટ્યુબની લિંકો ટાસ્ક આપીને માત્ર 12 દિવસમાં જ 21 લાખ 92 હજારનું ફુલેકું ફેરવવામાં આવતાં સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
સોશિયલ મીડિયાના ઉપયોગથી સેલિબ્રિટી બનવાની સાથે મબલખ રૂપિયા કમાવાની તક પણ મળી જતી હોય છે. સરળતાથી સફળતા મેળવવાનો આ શોર્ટકટ યુવાનોમાં ખૂબ લોકપ્રિય થઈ રહ્યો છે. યુવાનોની આ ઘેલછાનો ગેરલાભ ઊઠાવતા ગઠિયાઓનું કારસ્તાન સામે આવ્યું છે. જેમાં યુ ટ્યૂબ ચેનલથી માલદાર થવાની લાલચ આપી યુવક સાથે રૂ.22 લાખની ઠગાઈ આચરવામાં આવી હતી.
ટેલિગ્રામ લિન્કમાં અમિતકુમારની માહિતી ભરાવી તેમ જ ખાતા નંબર મેળવી લીધા હતા. બાદમાં અલગ-અલગ ટાસ્ક પૂરા કરવા માટે પ્રલોભનો આપ્યા હતા. અને ટાસ્ક પૂરા કરવાની લાલચમાં યુવકને ફસાવીને તેની પાસે અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ રૂ.21.91 લાખ ભરાવાયા હતા. 4થી 16 ઓઘસ્ટ દરમિયાન એક જ નંબર પરથી અલગ-અલગ મેસેજ અને વાત કરી ઓનલાઈન ચીટિંગ કરનારા ગઠિયા સામે ગાંધીનગર રેન્જ સાયબર પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ગાંધીનગરના વાવોલ ખાતે હરીનગર સોસાયટીમાં રહેતા અમિતકુમાર કેદારપ્રસાદ ગુપ્તાએ સાયબર રેન્જ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. તે મુજબ, ગત 4 ઓગસ્ટના રોજ યુ ટ્યૂબ ચેનલ સબસ્ક્રાઈ કરવાના પૈસા કમાવવાનો મેસેજ આવ્યો હતો. બાદમાં આ નંબર પરથી 16 ઓગસ્ટ સુધીમાં વાતચીત થઈ હતી. અને વિશ્વાસ કેળવીને ગઠિયાએ ટેલિગ્રામ આઈડીની લિન્ક મોકલી હતી.