ગાંધીનગરનાં સહયોગ સંકુલ ખાતે આવેલી સીઆઇડી ક્રાઇમની ઓફિસનાં પાર્કિંગમાંથી હેડ કોન્સ્ટેબલનું બાઈક ચોરાઈ ગયાની ફરિયાદ સેક્ટર – 7 પોલીસ મથકના ચોપડે નોંધાયો છે. અત્રેનાં પાર્કિંગમાંથી છાશવારે વાહનોની અદલા બદલી થઈ જતી હોવાથી હેડ કોન્સ્ટેબલને પણ એમ હતું કે કોઈ બાઈક લઈ ગયું હશે પણ આજદિન સુધી બાઈકનો પત્તો નહીં લાગતા આખરે પોલીસ ફરિયાદ દાખલ કરાવવાની ફરજ પડી છે.
ગાંધીનગરમાં વાહન ચોરીની વણઝાર વચ્ચે ખુદ પોલીસનું જ બાઈક ચોરાઈ ગયાની બૂમરાણ ઉઠી છે. ગાંધીનગરનાં સેકટર – 6, વીર ભગતસિંહનગર ખાતે રહેતાં ગોપાલભાઈ બાબુભાઈ દેસાઈ સેક્ટર – 11માં સહયોગ સંકૂલના ત્રીજા માળે આવેલ સીઆઈડી ક્રાઇમ શાખામાં પોલીસ હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. ગત તા. 12 મી સપ્ટેમ્બરના રોજ ગોપાલભાઈ સવારના અગિયાર વાગે બાઈક લઈને ઓફિસે ગયા હતા અને બિલ્ડીંગનાં પાર્કિંગમાં બાઈક પાર્ક કરીને પોતાની કચેરીએ ગયા હતા. બાદમાં બપોરના દોઢ વાગે જમવા માટે કચેરીમાંથી નીચે આવીને બાઈક લેવા ગયા હતા. પરંતુ બાઈક પાર્કિંગમાં જોવા મળ્યું ન હતું.
આથી તેમણે ફરજ પરના સિક્યુરિટી ગાર્ડને બાઈક વિશે પૂછતાંછ કરી આસપાસ તપાસ કરી હતી. પરંતુ બાઈકનો ક્યાંય પત્તો મળ્યો નહતો. ત્યારે સીઆઇડી ક્રાઇમની ઓફીસમાં અવાર નવાર બાઇક અદલા બદલી થવાના ઘણા બનાવો બન્યા હોવાથી ગોપાલભાઈને એમ હતું કે કોઈ ભૂલથી બાઈક લઈ ગયું હતું. એટલે જેતે સમયે ફરિયાદ કરવાનું માંડી વાળ્યું હતું. પરંતુ આજદિન સુધી બાઈક મળી નહીં આવતાં હેડ કોન્સ્ટેબલ ગોપાલભાઈને અહેસાસ થયેલો કે બાઈક ચોરાઈ જ ગયું છે. આ અંગે સેકટર – 7 પોલીસે 20 હજારની કિંમતના બાઈક ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.