ગાંધીનગરના વાવોલ તેમજ સેકટર – 5 ખાતેથી બે રાહદારી મહિલાઓના ગળામાંથી સોનાના દોરાની તફડંચી કરી બે ચેઇન સ્નેચરો ફરાર થઈ જતાં સેકટર – 7 પોલીસે એક લાખથી વધુની કિંમતના દોરાની તફડંચીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદના ચાંદખેડા રહેતા 55 વર્ષીય ભારતીબેન કીરીટકુમાર ત્રિવેદી ગત તા. 18 મી સપ્ટેમ્બરનાં રોજ ગાંધીનગરના વાવોલ વૈદેહી -2 ખાતે તેમના ભાઇ સંજયકુમાર જયંતીલાલ દવેના ઘરે આવ્યા હતા. આજરોજ સવારે ભારતીબેન અને તેમના ભાભી ભાવનાબેન મોર્નીંગ વોક કરવા નિકળ્યા હતા અને સહજાનંદ સ્કાયની આગળ રોડ ઉપર ચાલતા ચાલતા જઈ રહ્યા હતા. એ દરમ્યાન એક કાળા કલરના બાઈક ઉપર બે ઈસમો આવ્યા હતા. જે પૈકીના પાછળ બેસેલા ઈસમે ભારતીબેનનાં ગળામાંથી સોનાનો ખેંચ્યો હતો. એટલે ભારતીબેને દોરો જોરથી હાથમાં પકડી લીધો હતો. અને અડધો દોરો તુટીને ઈસમનાં હાથમાં આવી ગયો હતો. બાદમાં બન્ને જણા બાઈક ઉપર ફરાર થઈ ગયા હતા.
જ્યારે અન્ય એક બનાવમાં સેકટર – 5/એ, પ્લોટ નંબર – 1326/1 માં રહેતાં મીનાબેન નવીનભાઇ મોકરીયા નિત્યક્રમ મુજબ આજે સવારે પોણા છ વાગ્યાની આસપાસ ચાલવા માટે નીકળ્યા હતા. પ્લોટ નંબર 1322/1 પાસેનાં ટીપોઈન્ટ પાસે બે અજાણ્યા ઈસમો બાઈક ઉપર આવ્યા હતા. અને બાઇક ધીમું પાડી પાછળ બેઠેલા ઈસમે મીનાબેનનાં ગળામાંથી સોનાની મગમાળા કી રૂ. 84,480 ની તોડી લઈ નાસી ગયા હતા. આ બનાવો અંગે સેકટર – 7 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.