ઓનલાઇન ગૂગલ સર્ચ કરી આઈઓસી પેટ્રોલ પંપની ડીલરશીપ લેવા માટે 59 વર્ષીય વૃદ્ધએ ફોર્મ ભરીને અરજી કરી હતી. જે અનુસંધાને ગઠિયાએ ફોન કરીને કેવાયસી ચેકીંગ માટે ઝુમ મિટિંગમાં યોજીને બધું બરોબર હોવાનું જણાવી અવનવા બહાના બતાવીને તબક્કાવાર અલગ અલગ એકાઉન્ટમાં રૂ. 25 લાખ 99 હજારથી વધુની રકમ ટ્રાન્ફર કરાવી છેતરપિંડી આચરવામાં આવતાં ગાંધીનગર રેન્જ સાયબર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
સાબરકાઠાંનાં ઈડર તાલુકાના ભદ્રેસર ગામના રૂપસિંહ બાપુસિંહ રાઠોડના દીકરા યશપાલસિંહને ઇડર-હિંમતનગર હાઇવે હિંમતપુર પાટીયા નજીક એસ.આર. કંપનીના પેટ્રોલપંપની ડીલરશીપ હતી. પરંતુ જેનું વેચાણ ઓછુ થવાના કારણે કંપનીએ પેટ્રોલ પંપ તા. 30 જુનના રોજ બંધ કરી દીધો હતો. આથી આઈઓસી કંપનીના પેટ્રોલ પંપની ડીલરશીપ લેવા માટે રૂપસિંહે ગૂગલમાં સર્ચ કર્યું હતું.
બાદમાં મહાત્મા ઇન્ડિયન ઓઇલની ડીલરશીપ માટેનું ઓનલાઇન ફોર્મ ભર્યું હતું. જેનાં થોડા દિવસ પછી અજાણ્યા ઈસમે ફોન કરીને ડીલરશીપ માટે કેવાયસી ચેકીંગ માટેની મોબાઇલ મિટિંગ કરવી પડશે. છે. જેથી તેણે મોકલેલ પાસકોડ અને મિટિંગ આઈડીનાં આધારે રૂપસિંહ Z00M મિટિંગની એપ્લિકેશન થકી મિટિંગમાં જોડાયા હતા. જે મિટિંગ પૂર્ણ થયા પછી તેમને ઈમેલ મોકલી આપવામાં આવ્યો હતો.
જેમાં કેવાયસી બરોબર હોવાનો ઉલ્લેખ કરી 12 લાખ ભરવાનો ઉલ્લેખ કર્યો હતો. આથી ડીલરશીપ મેળવવા માટે રૂપસિંહે સાબરકાઠાં ડિસ્ટ્રીક્ટ કો. ઓ. બેંકમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. બાદમાં સિક્યુરિટી ડિપોઝીટ સહિત અન્ય અવનવા બહાના બતાવીને અજાણ્યા ઈસમે રૂપસિંહ પાસે કુલ રૂ. 25 લાખ 99 હજારથી વધુની રકમ ટ્રાન્ફર કરાવી લીધી હતી. છેલ્લે તેઓને ટ્રાન્સપોટેશન પેટે પણ રૂ. 1.20 લાખ જમા કરાવવાનો ઈમેલ મળ્યો હતો.
ત્યારે રૂપસિંહને કઈ રંધાઈ રહ્યું હોવાનો વહેમ પડ્યો હતો. જેથી તેમણે ગામ પાસેના ઇન્ડીયન ઓઇલ પેટ્રોલ પંપ ઉપર જઇ તપાસ કરતા સેલ્સ ઓફિસર તથા અન્ય એક અધિકારીએ ઈમેલ કંપનીના નહીં હોવાનો ખુલાસો કર્યો હતો. આખરે સમગ્ર મામલે ગાંધીનગર રેંજ સાયબર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.