સુરતના રાંદેર અને હજીરા વિસ્તારમાંથી હાઈ પ્યોરીટી અફઘાની ચરસ ઝડપાયું છે. પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. તેમજ 4 કરોડ 15 લાખ 95 હજારનું 8.319 કિલો ચરસ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. ઝડપાયેલા ત્રણ આરોપીઓ પૈકી બે આરોપી હજીરા ખાતેની મલ્ટી નેશનલ કંપનીમાં નોકરી કરે છે. જેઓ દરિયા કિનારે ફરવા ગયા હતા ત્યારે ઝાળીમાં લાવારીસ ચરસનો જથ્થો મળી આવ્યો હતો. ત્યારે આ ચરસના જથ્થાને પોતાને લોટરી મળી હોવાનું સમજી બંને જણા ખુશ ખુશ થઈ ગયા હતા. બંને ઈસમોએ ચરસ અંગે પોલીસને જાણ કરવાના બદલે પૈસા કમાવવાની લાલચે ચરસનો જથ્થો ઘરે લાવી ઘરની પાછળ ઝાંડી ઝાંખરામાં જમીનમાં સંતાડી રાખ્યો હતો. જેમાનો કેટલોક જથ્થો એક યુવકને વેચવા માટે આપ્યો હતો. જે ઝડપાતા આખો ખેલ પકડાઈ ગયો હતો.
સુરતમાં એસઓજી પોલીસનના હેડ કોન્સ્ટેબલ યોગેશ કંસારાભાઈને બાતમી મળી હતી કે, રાંદેર વિસ્તારનો એક ઇસમ છેલ્લા 25 દિવસથી હાઈ પ્યોરીટી અફઘાની ચરસનું વેચાણ કરી રહ્યો છે. માહિતીના આધારે એસઓજી અને પીસીબી પોલીસની ટીમ દ્વારા રાંદેર પાલનપુર પાટિયા રોડ સ્થિત લક્ષ્મી ડેરીની ગલીમાં પોલીસે વોચ ગોઠવી હતી. રાંદેર રામનગર પાસે આવેલી કીર્તિનગર સોસાયટીમાં રહેતા જતીન ઉર્ફે જગ્ગુ ગીરીશભાઈ ભગત (ઉં.વ.26)ને પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી 1 કરોડ 8 લાખ 65 હજારની કિંમતનું 2.173 કિલોગ્રામ હાઈ પ્યોરીટી અફઘાની ચરસનો જથ્થો જપ્ત કર્યો હતો.
જમીનમાંથી સંતાડેલો વધુ ચરસ મળી આવ્યો પોલીસે તેની કડક પૂછપરછ કરતા આ ચરસનો જથ્થો હજીરા વિસ્તારના બે ઈસમોએ વેચાણ માટે આપ્યો હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે હજીરાગામ નીલમનગર સોસાયટીના મકાન નંબર 453માં રેઇડ કરી હતી. જ્યાં ઘરની પાછળ આવેલા ઝાંડી ઝાંખરાવાળી જમીનમાંથી ખાડો ખોદી સંતાડી રાખેલું વધુ 3 કરોડ 7 લાખ 40 હજારની કિંમતનું 6.146 કિલોગ્રામ હાઈ પ્યોરીટી અફઘાની ચરસ જપ્ત કર્યું હતું. આ ઘટનામાં પોલીસે ત્યાં રહેતા પિંકેશ શાંતિલાલ પટેલ અને જહાંગીરપુરા સંકલ્પ રોહાઉસ ખાતે રહેતા અભિષેક ઉર્ફે અભી રોહિત પટેલની ધરપકડ કરી હતી.
પકડાયેલા બંને આરોપીઓની પોલીસે કડક પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે, પિંકેશ શાંતિલાલ પટેલ હજીરા ગામમાં રહે છે અને અદાણી કંપનીમાં ક્રેન ઓપરેટર તરીકે નોકરી કરે છે. જ્યારે અભિષેક ઉર્ફે અભી પટેલ જાહાંગીરપુરા ખાતે રહે છે અને આર્સેનલ મિત્તલ કંપનીમાં લેબર સપ્લાયર તરીકેનું કામ કરે છે. બંને નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાત ચલાવતા હતા. દરમિયાન બંને મિત્રો એકાદ મહિના પહેલા હજીરા દરિયાકાંઠા વિસ્તારમાં ફરવા* માટે ગયા હતા. ત્યારે દરિયા કિનારેથી ઝાડી ઝાંખરામાં પડેલો બિનવારસી ચરસના પેકેટ મળી આવ્યા હતા. જેની તપાસ કરતા કરોડોનો માલ હોવાનું બંનેને જાણ થઈ હતી. જેથી તેઓ પોતાને લોટરી લાગી છે તેમ સમજી ખુશ ખુશ થઈ ગયા હતા. ગેરકાયદેસર ચરસના જથ્થા અંગે પોલીસને જાણ કરવાને બદલે પોતાના ઘરના વાડામાં જમીનમાં ખાડો ખોદી સંતાડી દીધું હતું.
સુરત પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે, બંને યુવકોને ચરસ મળ્યા બાદ આ ચરસને વેચાણ માટે ગ્રાહકોની શોધમાં હતા. ત્યારે સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં રહેતા અભિષેક ઉર્ફે અભિ પટેલનો રાંદેર વિસ્તારમાં રહેતો મિત્ર જતીન ઉર્ફે જગ્ગુ ગીરીશભાઈ ભગત આ ચરસનો જથ્થો વેચાણ કરી આપશે તેવી જાણ થતા બંને મિત્રોએ ચરસના જથ્થા પૈકીના બે પેકેટ ઝડપાયેલા જતીન ઉર્ફે જગ્ગુ ગીરીશભાઈ ભગતને વેચાણ માટે આપ્યા હતા. આ દરમિયાન એસઓજી અને પીસીબી પોલીસે જગ્ગુને પકડી પાડતા આખા ચરસના જથ્થાને ઝડપી પાડવામાં સફળતા મળી હતી.
વધુમાં જણાવ્યું હતું કે, બે પેકેટ જતીન ઉર્ફે જગ્ગુ ગીરીશભાઈ ભગતને વેચાણ કરવા માટે આપ્યા હતા. જેમાંથી જતીને 1 કિલોથી વધારે ચરસ નાના-નાના કટકામાં શહેરમાં વેચાણ કરી ચૂક્યો છે. ત્યારે હાલ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી 8 કિલો 319 ગ્રામ હાઈ પ્યોરીટી અફઘાન ચરસ જપ્ત કરવામાં આવ્યું છે. વધુમાં પકડાયેલો જતીન ઉર્ફે જગ્ગુ ગીરીશભાઈ ભગત વર્ષ 2017માં અડાજણ પોલીસ મથકમાં હત્યાના ગુનામાં સંડોવાયેલો છે તેમજ રાંદેર પોલીસ મથકમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલો છે. અગાઉ તે ગાડી લે-વેચનો ધંધો કરતો હતો અને હાલમાં ઘણા સમયથી બેકાર છે.
પોલીસ કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે, પકડાયેલો ચરસનો જથ્થો અફઘાની હાઈ પ્યોરીટી ચરસ છે. જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત એક કિલોની 50 લાખ રૂપિયા હોય છે. ત્યારે પકડાયેલા 8.319 ગ્રામની ચરસની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત પ્રમાણે 4 કરોડ 15 લાખ 95 હજાર થાય છે. જોકે હાલ આ સમગ્ર મામલે રાંદેર પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આ મામલે ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરી છે.
વધુમાં જણાવતા કહ્યું હતું કે, હજીરાના સુવાલી દરિયા વિસ્તારમાંથી થોડા સમય પહેલા SOG અને PCB પોલીસને બિન લાવારીસ આજ અફઘાની ચરસનો મોટો જથ્થો મળી આવ્યો હતો. ત્યાર બાદ એસઓજી પોલીસની ટીમ હજીરા વિસ્તારમાં ઝાડી ઝાંખરાઓમાં જઈને તપાસ કરી હતી, પરંતુ ત્યારે વધુ કોઈ જથ્થો મળી આવ્યો ન હતો, પરંતુ આ અંગે મીડિયામાં જે રીતે માહિતી પ્રસારિત થઈ હતી અને ત્યાર બાદ અન્ય વિસ્તારમાંથી બંને યુવકોને આ જથ્થો મળી આવતા તેમણે પોલીસને જાણ કરવાને બદલે પોતાની પાસે રાખી મૂક્યો હતો. ત્યારે પોલીસને પકડાયેલા યુવકો પાસેથી કબજે કરેલ ચરસનો જથ્થો અગાઉ સુવાલી પાસેથી મળી આવેલા ચરસના જથ્થા સાથેનો જ હોવાનું માનવામાં આવી રહ્યું છે.