રાજ્યમાંથી છેલ્લા કેટલાક મહિનાઓમાં નકલી સરકારી અધિકારીઓ બનીને રોફ જમાવતા અનેક કિસ્સાઓ બની ચૂક્યા છે. કિરણ પટેલ આ નામ સાંભળતા જ આપને યાદ આવી જશે કે પીએમઓના અધિકારી તરીકે ખોટી ઓળખ આપી અનેક સાથે સંબંધો બાંધી અને કરોડો રૂપિયાની છેતરપિંડી અને લોકોને મૂર્ખ બનાવવાના કિસ્સાઓ હાલમાં સામે આવ્યા હતા, ત્યારે આવો એક કિસ્સો ગાંધીનગરમાંથી સામે આવ્યો છે.
પોતે કલેક્ટર હોવાનું કહીને પોલીસને સસ્પેન્ડ કરવાની ધમકી આપનારા આરોપીની ગાંધીનગર પોલીસે ધરપકડ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, ગાંધીનગરથી એક નકલી કલેક્ટર ઝડપાયો છે. જી હા.. હું કલેક્ટર છું, અને બદલી કરાવી દઈશ, પોલીસને સસ્પેન્ડ કરાવી દઈશની ધમકી આપતા આરોપીની ગાંધીનગર પોલીસે કાયદાકીય પાઠ ભણાવ્યો છે. નકલી કલેક્ટર વિશે મળતી માહિતી પ્રમાણે આરોપીએ પોલીસ સ્ટેશનમાં ફોન કરીને બદલી કરવા જણાવ્યું હતું. આરોપી અગાઉ પણ આવી રીતે અનેકવાર ફોન કરી ચુક્યો છે. રાજ્ય સેવક તરીકે ખોટી ઓળખ આપવા બદલ ગાંધીનગર પોલીસે હાલ ગુનો નોંધ્યો છે.
મહત્વનું છે કે, ગાંધીનગરમાંથી પોલીસના હાથે ઝડપાયેલા નકલી કલેક્ટરનું નામ જનક પંડ્યા છે અને પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. ડ્રાઈવિંગનો ધંધો કરતો જનક મહિલા પોલીસ મથકમાં પોલીસને ફોન કરતો હોવાનું સામે આવ્યું છે. જાણવા મળી રહ્યું છે કે આરોપીના પિતા અગાઉ પોલીસમાં હતા. જ્યારે બહેન પણ પોલીસમાં નોકરી કરે છે.