ગાંધીનગરમાં ગઈકાલે રાતના સમયે ગ – 2 સર્કલ પાસે ભાજીપાઉં તથા મન્ચુરીયનના ઓર્ડર પેટે માત્ર 200 રૂપિયા લેવાની બાબતે અસામાજિક તત્ત્વોએ ઘાતક હથિયારો સાથે ત્રાટકીને શ્રમજીવી માતા-પુત્રને માર માર્યો હતો. તેમજ ફાસ્ટફૂડ લારીઓ પણ ઉંધી પાડી દઈ આતંક મચાવી કાયદો વ્યવસ્થાનું ચિરહરણ કરી નાસી જતાં સ્થાનિકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. આ જીવલેણ હુમલામાં શ્રમજીવી યુવાનને માથામાં ગંભીર ઇજાઓ પહોંચી છે. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી અસામાજિક તત્ત્વોને શોધવા ચારેકોર દોડધામ કરી મુકી હતી.
ગાંધીનગરના સેક્ટર – 4 માં રહેતો 28 વર્ષીય હિતેશ ભગવતીલાલ મોહનલાલ તૈલી ગ – 2 સર્કલના કોર્નર ઉપર મુકેશ ફાસ્ટ ફુડ તથા ચાઇનીઝ નામથી ફાસ્ટફુડની બે લારી ચલાવી પરીવારનું ગુજરાન ચલાવે છે. ગઈકાલે હિતેશ તેનો ભાઈ અને માતા-પિતા લારી ઉપર હાજર હતા. દરમિયાન રાત્રિના આઠ વાગ્યાના અરસામાં લારી ઉપર અવારનવારની માફક બજરંગ ઠાકોર તથા વિકાસ ઠાકોર ફાસ્ટ ફૂડ લેવા માટે ગયા હતા અને ભાજીપાઉં તથા મન્ચુરીયનનો ઓર્ડર આપ્યા પછી હિતેશે બસ્સો રૂપિયા વિકાસ પાસેથી લીધા હતા એટલે બજરંગ મારા બનેવી પાસેથી પૈસા કેમ લીધા એમ કહીને હિતેશના માતા પિતા અને ભાઈ સાથે ઝગડો કરી ઓર્ડર પેક કરાવી નીકળી ગયો હતો. તેમજ જતાં જતાં કહેતો ગયેલ કે થોડીવારમાં પાછા આવીએ છીએ. બાદમાં બજરંગ, વિકાસ અને અને અન્ય બે મિત્રો એક્ટિવા – બાઈક પર હાથમાં લોખંડની પાઈપ, ધોકા અને ધારીયા લઈને હિતેશ પર તૂટી પડ્યા હતા.
આ હુમલાથી બચવા હિતેશ અને તેનો ભાઈ મૂકેશ ભાગવા લાગ્યા હતા. પરંતુ મૂકેશ દોડવા જતાં પડી જતાં ચારેય હુમલાખોરોએ તેને ઘેરી લઈ ધોકા – લાતોનો વરસાદ વરસાવવા લાગ્યા હતા. આ જોઈએ મૂકેશને બચાવવા માટે તેની માતાએ પ્રયાસો કર્યો હતો. જેઓને પણ ચારેય જણાએ ધક્કો મારીને નીચે જમીન પર પાડી દીધા હતા. આ દરમિયાન બજરંગે ધોકા વડે મૂકેશનાં માથામાં જીવલેણ હૂમલો કરી દીધો હતો, આટલેથી સંતોષ નહીં થતાં અસામાજિક તત્વોએ ફિલ્મી સ્ટાઇલમાં બંને લારી ઉંધી પાડી દઈ ભયનો માહોલ ઉભો કરી દીધો હતો. ધીમે ધીમે આસપાસના લોકો એકઠા થવા લાગતાં ચારેય હુમલાખોરો વાહનો લઈને નાસી ગયા હતા. આ ચારેય હુમલાખોરો દારૂ પીધેલા હોવાનું પણ સ્થાનિકોએ કહ્યું હતું. બાદમાં મૂકેશને ગંભીર હાલતમાં 108 એમ્બ્યુલન્સ થકી સિવિલમાં લઈ જવાયો હતો. જેને માથામાં છ ટાંકા લેવાની ફરજ પડી હતી. …
બીજી તરફ અસામાજિક તત્વોએ છડેચોક કાયદાનું ચિરહરણ કર્યાની જાણ થતાં જ સેકટર – 7 પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાંચનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને હુમલાખોરોને શોધવા ચારે દિશામાં દોડધામ કરી હતી. આ હુમલામાં શ્રમજીવી પરિવારને 20 હજારનું નુકસાન વેઠવાની સાથે માર ખાવાનો પણ વખત આવ્યો હતો. આ અંગે સેકટર – 7 પોલીસ મથકમાં ગુનો દાખલ કરી વધુ તપાસ ચાલી રહી છે.