રાજકોટના યાજ્ઞિક રોડ ઉપર હાલ એક મોટી દુર્ઘટના બની છે. રવિવારનાં રોજ આ રોડ પર ફૂડ બજાર ભરાય છે અને મોટી સંખ્યામાં લોકો અહી ખાવાપીવા માટે આવે છે. શહેરનાં સર્વેશ્વર ચોકમાં સંતોષ ભેલ પાસેનો સ્લેબ તૂટી જતાં અનેક લોકો નીચે પટકાયા તો અમુક ઘાયલ થયા. આ ઘટના ઘટતાં જ તાત્કાલિક ફાયર બ્રિગેડની બે ગાડી અને એમ્બ્યુલન્સ પહોંચી. સર્વેશ્વર ચોકમાં બનેલી ઘટનામાં રેસ્ક્યુ ઓપરેશન હજુ પણ જારી છે. જોકે, હજુ સુધી ઘટનાના કારણે મોતનો કોઈ આંકડો સામે આવ્યો નથી. સર્વેશ્વર ચોકમાં બનેલી ઘટનામાં વોકળા ઉપરનો સ્લેબ તૂટી પડતા 20 લોકો ઈજાગ્રસ્ત થયા છે અને હોસ્પિટલમાં દાખલ એક મહિલાની હાલત ગંભીર છે. જોકે, હજુ સુધી ઘટનાના કારણે મોતનો કોઈ આંકડો સામે આવ્યો નથી.
મેયર, કલેટર, ધારાસભ્યો અને સાંસદ સહિતના તમામ સભ્યો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા સાથે ઘટનાક્રમ અંગે વાત કરતાં તેઓએ જણાવ્યું હતું કે, ‘રાજકોટનાં જાગનાથ વિસ્તારમાં સ્લેબ તૂટી પડતાં વોકળામાં લોકો પડી ગયા હતા તો તાત્કાલિક ફાયરબ્રિગેડ અને તંત્રના લોકોએ મળીને ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી છે અને તેઓને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડ્યા છે. કોઈ જાનહાનિ હજુ સુધી સામે આવી નથી. અમુક લોકોને નાની-મોટી ઈજાઓ થઈ છે. 15-20 લોકો ફસાયા હતા અને તમામને બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યા. 1-2 વ્યક્તિ ગંભીર હોવાની આશંકા દર્શાવી.’
સ્ટેબોર્ડિંગ ચેરમેન જયમીન ઠાકર કહે છે કે, જાનહાનિની કોઈ ઘટના હજુ સુધી સામે આવી નથી અને દાદાની કૃપાથી અને એવી કોઈ ઘટના બની નથી. ગણપતિ મહોત્સવનાં કારણે લોકો અહીં આવતા હતા. લોકોનું ટોળું એકત્રિત હોવાના કારણે ભગદડ મચી ગઈ હતી. આ પ્રકારનાં બાંધકામમાં ભૂતકાળમાં પણ રાજકોટ મહાનગરપાલિકાએ એક્શન લીધા છે અને આવનાર દિવસોમાં પણ આ ઘટનાને લઈને જે કોઈપણ આરોપી છે, તે તમામને સજા કરવામાં આવશે. તંત્ર, આરોગ્યની ટીમ કે અન્ય જરુર પડ્યે તમામ અધિકારીઓની ટીમ અહીં હાજર છે અને સિટી અંડર કંટ્રોલ છે અને આવી ભૂલ આગળ ન થાય તેની તકેદારી પણ રાખવામાં આવશે.’
મેયર નયના પેઢડિયા પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ ઘટના અંગે વાત કરતા તેઓએ જણાવ્યું કે, ‘ગણપતિ મહોત્સવની આરતી થઈ રહી એટલે ભારે સંખ્યામાં લોકોની ભીડ એકઠી થતા આ દુર્ઘટના બની હતી. અહીં જે પણ લોકો ઈજાગ્રસ્ત થયા છે તે તમામની મદદે તંત્ર અને પદાધિકારી ખડેપગે ઊભા છે. ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક ધોરણે સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.’
શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી પણ ઘટનાસ્થળે પહોંચ્યા. તે કહે છે કે, ‘સર્વેશ્વર ચોકમાં જે ઘટના બની છે તેમાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત છે. તેથી આપણી પ્રાથમિકતા એ છે કે, તમામ લોકોને તાત્કાલિક અસરથી સારવાર મળે અને બધા સલામત રહે તેવી ભગવાનને પ્રાર્થના કરીએ. આ ઘટનામાં જે જવાબદાર હશે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પ્રાથમિક તબક્કે અત્યારે સાત લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ફાયર વિભાગના જવાનો, કોર્પોરેશનનો સ્ટાફ અને પોલીસ તંત્ર હાલ અહીં સતત ખડેપગે છે. જોકે, હાલ કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી.’