આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ નવી શરૂઆત કરી છે. તેમણે ગુજરાત હાઈકોર્ટમાં વકિલાત શરૂ કરી છે. એડવોકેટ તરીકેની પોતીની નવી જવાબદારી અંગે તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં જાહેરાત કરી છે અને કહ્યું છેકે, મે જીવનમાં પોલીસ તરીકે કોર્ટ જોઇ હતી પણ હવે પહેલીવાર એડવોકેટ તરીકે અદાલતમાં હાજરી આપી છે.
સોશિયલ મીડિયામાં તેમણે એક પોસ્ટ કરી છે, જેમાં જણાવ્યું છેકે, નવો યુનિફોર્મ, નવી જવાબદારી, નવો રસ્તો અને નવા સપનાઓ સાથેની આ નવી મુસાફરીના અત્યંત ગૌરવપૂર્ણ પ્રસંગે આપ તમામ મિત્રોના આશિર્વાદ મને મળશે એવી આશા છે. મેં મારા જીવનમાં પોલીસ તરીકે કોર્ટ જોઈ હતી, ખોટી એફઆઈઆરમાં આરોપી તરીકે કોર્ટ જોઈ હતી પરંતુ જીવનમાં પ્રથમ વખત એડવોકેટ તરીકે અદાલતમાં હાજરી આપી છે.
હાઈકોર્ટ એડવોકેટના યુનિફોર્મમાં એક અલગ જ પ્રકારના ગૌરવની અનુભૂતિ થાય છે. જીવનના અનેક ચડાવ ઉતાર જોયા પછી આ નવા યુનિફોર્મ સાથેની નવી જવાબદારીવાળી નવી મુસાફરીમાં આપ તમામ દોસ્તોનો પ્રેમ અને આશિર્વાદ મને મળશે એવી આશા રાખું છું. આ તબક્કે મારા પરિવાર, મારા મિત્રો, મારા શુભચિંતકો, મારા રાજકીય સમર્થકો, આમ આદમી પાર્ટી લીગલ ટીમ અને દરેક સંઘર્ષમાં મને અતૂટ સાથ આપનાર મારા કેટલાક અનામી સ્નેહીઓનો હું ખુબ ખુબ આભારી છું.
ગોપાલ ઇટાલિયાને તેમની નવી શરૂઆત બદલ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવી સહિત આપ કાર્યકર્તાઓ અને તેમના સમર્થકો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.