વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્ય પ્રદેશમાં કાર્યકર્તા મહાકુંભને સંબોધિત કરતા કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે મધ્ય પ્રદેશમાં જ્યારે કોંગ્રેસનું શાસન હતું ત્યારે આ બીમારૂ રાજ્ય હતું. કોંગ્રેસના શાસનની ઓળખ હતી- કુનીતિ, કુશાસન અને કરોડોનો ભ્રષ્ટાચાર.
પીએમ મોદીએ કોંગ્રેસ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા કહ્યું કે, કોંગ્રેસની જ્યાં જ્યાં સરકાર બની છે ત્યાં તેમણે લૂંટ ચલાવી છે, રાજ્યોને બરબાદ કર્યું છે.
જો તમે મધ્ય પ્રદેશમાં તેમણે તક આપી તો આ (કોંગ્રેસ) આવી જ સ્થિતિ મધ્ય પ્રદેશની કરશે.
પીએમ મોદીએ કહ્યું, એમપીમાં ભાજપની સરકારને 20 વર્ષ પૂર્ણ થઇ ગયા છે. જે યુવા આ વખતે ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરશે, તેમણે ભાજપની સરકારને જ જોઇ છે. આ યુવા સૌભાગ્યશાળી છે. મધ્ય પ્રદેશમાં કોંગ્રેસનું ખરાબ શાસન જોયું નથી. આઝાદી પછી મધ્ય પ્રદેશમાં લાંબા સમય સુધી કોંગ્રેસનું શાસન રહ્યું પરંતુ કોંગ્રેસે સાધન સંપન્ન એમપીને બીમારૂ બનાવી દીધુ. અહીંના યુવાઓએ કોંગ્રેસની કાયદા વ્યવસ્થા નથી જોઇ, તે સમયના ખરાબ રસ્તા નથી જોયા. અંધારામાં જીવવા મજબૂર શહેર અને ગામ જોયા નથી. એમપીમાં ભાજપ સરકારે દરેક સરકારમાં તેને નવી ઉંચાઇઓ પર લઇ જવાનું કામ કર્યું છે.
પીએમ મોદીએ કહ્યું, હું એક સવાલ પૂછી રહ્યો છું કે જો દેશનું નામ રોશન થાય છે, દેશનું માન વધે તો તમને ગર્વ થાય છે કે નહીં. તમને થાય છે પણ કોંગ્રેસવાળાને નથી થતો. કોંગ્રેસ ન ખુદ બદલવા માંગે છે અને ના તો દેશને બદલવા માંગે છે. દેશ સમૃદ્ધિ તરફ વધવા માટે મહેનત કરી રહ્યો છે પરંતુ કોંગ્રેસ દેશને 20મી સદીમાં લઇ જવા માંગે છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું, કોંગ્રેસનું ભવિષ્ય નથી, તેને જોવાનું સામર્થ્ય બચ્યુ નથી, તેમણે કહ્યું કે કોંગ્રેસ વિકસિત ભારતની દરેક યોજનાનો વિરોધ કરે છે. ભારતની યૂપીઆઇથી આખી દુનિયા મંત્રમુગ્ધ છે, તેમણે કહ્યુ કે ભારતમાં રેકોર્ડ લેવડ દેવડ થઇ રહી છે.કોંગ્રેસને આ પસંદ નથી.