જોટાણા તાલુકા કોંગ્રેસ પ્રમુખના ઘરે ધોળે દિવસે લૂંટારૂઓએ રિવોલ્વરના નાળચે લૂંટ ચલાવતા ચકચાર મચી ગઈ છે. બપોરનાં સુમારે મૃગેશ ચાવડાનાં ઘરે 3 મહિલાઓ એકલી હતી. અચાનક પાંચ જેટલા શખ્શો હથિયારો સાથે ઘરમાં ધુસી જતા મહિલાઓએ બુમાબુમ કરી મુકી હતી. પાડોશીઓએ તાત્કાલીક આ અંગે પોલીસને જાણ કરતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.પરંતુ પોલીસ પહોંચે તે પહેલા લૂંટારૂઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
લૂંટારૂઓ નંબર પ્લેટ વગરની કારમાં આવ્યા હતા. મૃગેશ ચાવડાના ઘરના CCTV બંધ હોવાથી આરોપીઓની ઓળખ કરવી મુશ્કેલ છે. એલ.સી.બી., એસ.ઓ.જી. દ્વારા અલગ અલગ ટીમો બનાવી નાકાબંધી કરી તમામ માર્ગો પર આવતા જતા વાહનોનું ચેકીંગ હાથ ધર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાને લઇને અનેક સવાલ ઉભા થતા હોય છે, ત્યારે પૂર્વ આઇપીએસ અધિકારીને ભિલોડાના ધારાસભ્ય પી. સી. બંરડાના મકાનમાં તાજેતરમાં લૂંટારૂ ગેંગ દ્વારા રોકડ અને સોનાના દાગીના સહિત કુલ રૂપિયા 9.70 લાખની મત્તાની લૂંટ ચલાવી હતી.
જેમાં પૂનમચંદ બરંડાના પત્નીને લૂંટારૂઓએ મોઢા પર ડુચો મારીને પલંગ સાથે બાંધી દીધા હતા. આ સમયે ઝપાઝપીમાં તેમને ઇજાઓ પણ થઇ હતી. ત્યારે હવે મહેસાણાના જોટાણામાં કોંગ્રેસ અગ્રણીના ઘરમાં લૂંટારૂઓ ત્રાટક્યા છે.