ગુજરાત હાઇકોર્ટમાં જજ એ.એસ.સુપહિઆ અને જજ એમ.આર. મેંગડેની બેન્ચ દ્વારા (ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી) GNLUને લઈને સુઓમોટો પિટિશન હાથ ધરવામાં આવી છે. 22 સપ્ટેમ્બરના રોજ અમદાવાદના એક સમાચાર અહેવાલમાં ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થિની સાથે તેના જ બેંચમેટ દ્વારા આચરવામાં આવેલા દુષ્કર્મ અને એક વિદ્યાર્થીની જાતીયતા બાબતે થતા દુર્વ્યવહારને લઈને આ સુઓમોટો પિટિશન હાથ ધરાઈ છે.
ગુજરાત હાઇકોર્ટે આ સુઓમોટો પિટિશન હાથ ધરતાં નોંધ્યું હતું કે સમાચાર અહેવાલ પ્રમાણે આ ખૂબ જ ગંભીર બાબત છે. ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાં જાતીયતા મુદ્દે એક વિદ્યાર્થી માનસિક આઘાતમાંથી પસાર થઇ રહ્યો છે. જ્યારે એક વિદ્યાર્થિની સાથે તેના જ ક્લાસના વિદ્યાર્થી દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. જ્યારે યુનિવર્સિટીની આંતરિક ફરિયાદ કમિટી પણ કાર્યરત નથી. વળી, GNLUમાં પ્રવક્તાએ આવી કોઈ ફરિયાદ વિદ્યાર્થીઓ તરફથી આવી નથી એમ જણાવી રહ્યા છે. આ ઘટનાથી વિદ્યાર્થીઓની માનસિક અને શારીરિક અવસ્થાઓ પર નકારાત્મક અસર થઈ છે.
પીડિતની ઓળખની ગુપ્તતાના ધોરણે નિવેદન રેકોર્ડ લેવાશે
સમાચાર સંસ્થાના અહેવાલ પ્રમાણે, આ ઘટના પ્રકાશમાં આવ્યા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી. GNLUનો આ યોગ્ય વ્યવહાર નથી, આથી હાઇકોર્ટે GNLUના હેડ અને રજિસ્ટ્રારને નોટિસ પાઠવી હતી. હાઇકોર્ટે GNLUને પીડિતોને ઓળખીને ગુપ્તતાના ધોરણે તેમના નિવેદન રેકોર્ડ કરવા કહ્યું છે, જેમાં દુષ્કર્મ પીડિતા વિદ્યાર્થિનીનું નિવેદન GNLUનાં જ મહિલા પ્રોફેસર દ્વારા રેકોર્ડ કરાશે. જો આ સમાચાર અહેવાલ સાચો હોય તો જરૂરી કાનૂની પગલાં ભરવા કોર્ટે GNLUને નિર્દેશ આપ્યા છે, સાથે જ કોર્ટે GNLUની આંતરિક ફરિયાદ કમિટીના સભ્યોનાં નામ માગ્યાં છે.
GNLUમાં વિદ્યાર્થીઓ સાથે રેગિંગ અને દુર્વ્યવહાર અટકાવવાના નિયમો પણ કોર્ટે માગ્યા છે. આ મુદ્દે GNLUએ 10 ઓકટોબર સુધીમાં કોર્ટમાં જવાબ રજૂ કરવાનો રહેશે. આગામી સુનાવણી 10 ઓક્ટોબરે ચીફ જજની પરમિશન બાદ હાથ ધરાશે.