ખેડા જિલ્લાના એક ગામમાં રહેતાં દીકરાના ઘરેથી પરત અમદાવાદ પોતાના ઘરે જવા નીકળેલ 72 વર્ષીય વૃદ્ધાની અજ્ઞાનતાનો લાભ ઉઠાવી અજાણ્યા બાઇક સવારે ઘરે ઉતારી દેવાનો વિશ્વાસ કેળવી ગાંધીનગરમાં રાત્રીના સમયે અવાવરુ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચરી દાગીના લુંટી લઈ ફરાર થઈ જતાં ચકચાર મચી ગઈ છે. આ મામલે પોલીસે દુષ્કર્મ – લૂંટનો ગુનો નોંધી અજાણ્યા બાઇક ચાલકની પગેરૂ શોધવા અલગ અલગ ટીમોને એક્ટિવ કરવામાં આવી છે.
અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતા 72 વર્ષીય વિધવા વૃદ્ધાને હાલ નાના દીકરા સાથે રહે છે. ગત તા. 14 મી સપ્ટેંબરે વૃધ્ધા ખેડાના એક ગામમાં રહેતા પોતાના દીકરાને ત્યાં રહેવા માટે ગયા હતા અને 21મીએ એકલા પરત અમદાવાદ જવા માટે નીકળ્યા હતા. જેઓ ઈકો ગાડીમાં બેસી કઠલાલ ચોકડી બપોરના સમયે ઉતર્યા હતા. એ વખતે આશરે 50 વર્ષની ઉંમરનો અજાણ્યો ઈસમ બાઈક લઈને તેમની પાસે ગયો હતો. અને વૃધ્ધાને નામથી બોલાવી કયા જવાનું પુછ્યું હતું. આથી વૃધ્ધાએ અમદાવાદ દીકરાને ઘરે જવાનું કહેતા ઈસમે અમદાવાદ ઉતારી દેવાનું કહ્યું હતું. આમ પોતાને બાઈક ચાલક ઓળખતો હોવાનું માનીને વૃધ્ધા બાઈક પર બેસી ગયા હતા. પરંતુ બાઈક ચાલક વૃધ્ધાને અજાણ્યા ગામમાં લઈ ગયો હતો.
જેથી વૃધ્ધાએ બૂમાબૂમ કરી હતી. આ સાંભળીને ગામના લોકો દોડી આવતાં વૃદ્ધાએ તેમને પોતાના દીકરાનો મોબાઈલ નંબર જણાવ્યો હતો. બાઈક ચાલકે વૃદ્ધાના દીકરા સાથે વાત કરીને પોતે આ વૃદ્ધાને સારી રીતે ઓળખતો હોવાનું જણાવીને ઘરે મૂકી જવાની ખાતરી આપી હતી. રાતના 8ના અરસામાં બાઈક ચાલકે અવાવરુ જગ્યાએ બાઈક ઊભું રાખ્યુ હતું અને વૃધ્ધાને બાઈક પરથી ઉતરવા કહ્યું હતું. મહિલાને માર મારીને બાઈક ચાલક અપશબ્દો બોલ્યો હતો અને ધમકી આપી બળાત્કાર ગુજાર્યો હતો.
વૃદ્ધા પર રાત દરમિયાન અવાર-નવાર બળાત્કાર ગુજારીને સવારે આ બાઈક ચાલક જતો રહ્યો હતો. જતાં જતાં વૃધ્ધાએ પહેરેલા સોના-ચાંદીના દાગીના પણ પડાવી લીધા હતા. બાદમાં વૃધ્ધાએ મુખ્ય રોડ પર આવીને આવતા-જતા લોકોને રોક્યા હતા. ગામના લોકોએ વૃદ્ધાના દીકરાને ફોન કર્યો હતો અને તે દોડી આવ્યો હતો. વૃદ્ધાએ આ ઘટના અંગે પરિવારને વાત કરતાં તમામને આઘાત લાગ્યો હતો અને તેઓ કઠલાલ પોલીસ સ્ટેશન ગયા હતા.
આ ઘટના દહેગામ તાલુકાના કડજોદરા ગામની સીમમાં બની હોવાનું જણાતા આ મામલે રખીયાલ પોલીસે ગુનો દાખલ કર્યો છે. વૃદ્ધાના જણાવ્યા મુજબ, બળાત્કાર ગુજારી લૂંટ કરનારો ઈસમ 50-60 વર્ષનો છે. વૃધ્ધાએ કરેલા વર્ણન અને મોબાઈલ નંબરના આધારે પોલીસે અલગ અલગ ટીમોને એક્ટિવ કરીને વધુ તપાસ હાથ ધરી છે.