કેનેડા અને ભારત વચ્ચેના વિવાદો ફરી સપાટી પર આવ્યા છે ત્યારે આ વખતે ડ્રગ્સનું કન્સાઇનમેન્ટ કેનેડાથી અમદાવાદ એરપોર્ટ પર આવ્યું હતું. અમદાવાદ સાયબર ક્રાઈમ અને કસ્ટમ દ્વારા જોઈન્ટ ઓપરેશન કરીને લાખોની કિંમતનું કોકેઇન અને તેનું મટિરિયલ મળી આવ્યું છે. આ કોકેઇન કેનેડાથી આવ્યું છે, તેની પાછળ ખાલીસ્તાની કનેક્શન છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. અન્ય એજન્સીઓ પણ આ તપાસમાં જોડાઈ છે. બીજી તરફ આ વખતે ડ્રગ્સ લાવવાની મોડસ ઓપરેન્ડી પણ એટલી જોરદાર હતી કે, ડ્રગ્સને લિક્વિડ ફોર્મ બનાવી તેને પુસ્તકના પેજ ઉપર પલાળીને સૂકવી દેવામાં આવ્યું હતું. જેના કારણે કોઈને પુસ્તક ઉપર શંકા ન જાય. પરંતુ અમદાવાદ સાયબર ક્રાઈમ અને કસ્ટમને મળેલી એક ટીપના આધારે આખું રેકેટ સામે આવ્યું છે
ડ્રગ્સ માફિયાઓ માટે જાણે ગુજરાત હોટ ફેવરિટ સ્પોટ બન્યું હોય તેમ મેફેડ્રોન ડ્રગ્સ ઘૂસાડવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં પકડાયેલા ડ્રગ્સના આંકડા ડ્રગ્સ માફિયાઓના નેટવર્કનો ઘટસ્ફોટ કરે છે. જેમાં અમદાવાદ ડ્રગ્સનું હબ બન્યું છે. અમદાવાદ સાયબર ક્રાઈમ અને કસ્ટમ ડિપાર્ટમેન્ટના સંયુક્ત ઓપરેશનમાં 46 લાખથી વધુના ડ્રગ્સને ઝડપી પાડવામાં આવ્યું છે, આ સમગ્ર ડ્રગ્સ કૌભાંડ આંતરરાષ્ટ્રીય લેવલ પર ચાલતું હતું, કેનેડાથી દેશભરમાં કોકેઇન અને કેનાબીજ જેવા કેફી ડ્રગ્સ પદાર્થોને સપ્લાય કરવામાં આવતું હતું. આ સમગ્ર કૌભાંડમાં ડ્રગ્સને એક કુરિયર કંપની દ્વારા ટ્રાન્સફર કરાતું હતું.
46 લાખની કિંમતના 5.97 કિલો કેનાબીજ ડ્રગ્સને કબ્જે કર્યું
ઓપરેશનમાં 46 લાખથી વધુના ડ્રગ્સને ઝડપી પાડવામાં આવ્યું છે, કેનેડાથી દેશભરમાં કોકેઇન અને કેનાબીજ જેવા કેફી પદાર્થોને સપ્લાય કરવામાં આવતું હતું. આ ડ્રગ્સને રમકડા અને પુસ્તકોમા સપ્લાય કરવામા આવતું હતું. અમદાવાદ સાયબર ક્રાઈમ અને કસ્ટમ વિભાગના સંયુક્ત ઓપરેશનમાં 2.31 લાખનુ કોકેઇન અને 46 લાખની કિંમતના 5.97 કિલો કેનાબીજ ડ્રગ્સને કબ્જે કર્યું છે.
ખાસ વાત છે કે, પુસ્તકના પાનામાં ડ્રગ્સને ચોટાડી દેશ-દુનિયામાં મોકલવામા આવતું હતું, એટલું જ નહીં આ સમગ્ર રેકેટમાં ડ્રગ્સને એક આંતરરાષ્ટ્રીય કુરિયર કંપની મારફતે ટ્રાન્સફર કરવામાં આવતું હતું. આમાં ડાર્ક વેબથી ઓર્ડર આપીને આ ડ્રગ્સ મેળવાતું હતું.
ઉલ્લેખનીય છે કે, બે દિવસ અગાઉ જ કચ્છમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો હતો. પૂર્વ કચ્છ પોલીસે દરિયા કિનારેથી 80 કિલોથી વધુનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું. આ ડ્રગ્સની કિંમત આશરે 800 કરોડથી વધુ હોવાની પ્રાથમિક માહિતી મળી હતી. દરિયા કિનારેથી બિનવારસી સ્થિતિમાં ડ્રગ્સ મળી આવ્યું હતું. આ ડ્રગ્સને એફએસએલમાં તપાસ અર્થે મોકલાતા પ્રાથમિક તપાસમાં કોકેઇન હોવાનું સામે આવ્યું હતું.