દેશભરમાં ‘૦૧ ઓક્ટોબરના રોજ સવારે ૧૦ કલાકે સ્વચ્છતા માટે એક કલાક શ્રમદાન માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આહવાન કર્યું હતું. જે અંતગર્ત આજે ગુજરાત વિધાનસભા પરિસરમાં પૂજ્ય મહાત્મા ગાંધી, વિઠ્ઠલભાઈ પટેલ અને સરદાર પટેલની પ્રતિમા તેમજ વિધાનસભા પરિસરની અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સહિત કર્મચારીઓ દ્વારા સફાઈ અને શ્રમદાન કરી પ્રતિમાઓને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
આજે ગાંધીનગર ખાતે વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ ‘સ્વછતા અભિયાન’ અંતર્ગત જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છતાના આહવાનને નવી પેઢીએ પોતાનો ‘જીવન મંત્ર’ બનાવ્યો છે. મહાત્મા ગાંધીના સ્વછતાના સ્વપ્નને સાકાર કરવા વડાપ્રધાનશ્રી સ્વચ્છ ભારત અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. જે આજે જનજનનો સ્વભાવ બન્યો છે. દેશના નાગરિકો સ્વયંભૂ આ અભિયાનમાં જોડાવા લાગ્યા છે. સ્વચ્છતાના પરિણામે બિમારી દૂર રહે છે અને મન પ્રફુલ્લિત રહે છે. બીજી ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિતે ગુજરાત સહિત દેશભરમાં સ્વચ્છતા અભિયાન ઉજવાઇ રહ્યું છે, જે પૂજ્ય મહાત્મા ગાંધીજીને સાચી ભાવાંજલિ છે.
આ ‘સ્વછતા હી સેવા’ અભિયાનમાં વિધાનસભાના સચિવ શ્રી ડી. એમ. પટેલ સહિત તમામ કર્મયોગીઓએ ઉત્સાહ ભેર સહભાગી થઈને પરિસરની સફાઈ કરીને ‘પ્લાસ્ટિક મુક્ત’ પરિસરની સંકલ્પના સાકાર કરી હતી.