મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતી નિમિત્તે રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ પુષ્પાંજલિ અર્પણ કરી
અમદાવાદ
પૂ. મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતી નિમિત્તે રાજીવ ગાંધી ભવન ખાતે પુષ્પાંજલિ અર્પણ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ નેતા બાલુભાઈ પટેલે જણાવ્યું હતું કે, અંગ્રેજ સરકાર પાસેથી દુનિયા દંગ રહી જાય તે રીતે ભારત દેશને આઝાદી અપાવી. તેમની અહિંસક ચળવળની ફિલસુફીએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિપૂર્ણ તબદીલી ઉપર ખુબ ઊંડો પ્રભાવ પાડ્યો. તેમના શબ્દોમાં ચળવળ એ એક સત્યાગ્રહ હતો. અને આખરે તેમને સફળતા મેળવી અને એ સાબિત કરી બતાવ્યું કે સત્ય અને અહિંસાના બળે આઝાદી મેળવી શકાય છે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના મહાનાયક મોહનદાસ કરમચંદ ગાંધી વિશ્વ માનવ હતા. તેઓ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી નામે વિશ્વભરમાં જાણીતા છે. તેમણે બ્રિટીશ રાજ પાસેથી આઝાદી મેળવવાની ચળવળ ચલાવી ભારતને દુનિયાના નકશા પર મૂકી. તેમના આદર્શો ભારતમાં અને દેશોમાં પણ શાંતિમય પરિવર્તન માટે પ્રેરણાદાયક રહ્યા છે. “સત્યના પ્રયોગ” આજે પણ વિશ્વને પ્રેરણા પૂરી પાડી રહ્યું છે. અમો સતસત નમન કરીએ છીએ.
લાલ બહાદુર કાશી વિદ્યાપીઠમાં જોડાયા. વિદ્યાપીઠ દ્વારા તેમને આપવામાં આવેલી સ્નાતકની ડીગ્રી બાદ તેમને ‘શાસ્ત્રી’ નામ મળ્યું હતું. ત્યારથી તેમનું પૂરું નામ લાલ બહાદુર શાસ્ત્રી બન્યું. મહાત્મા ગાંધી સાથે આંદોલનમાં ભાગ લેવાના કારણે તેઓ કુલ સાત વર્ષ બ્રિટીશ જેલોમાં રહ્યા હતા. આઝાદી પછી તેઓ ૧૯૫૧માં દિલ્હી ગયા અને કેન્દ્રીય મંત્રીમંડળના ઘણા વિભાગોનો હવાલો સંભાળ્યો. તેમને રેલ્વે મંત્રી, પરિવહન અને સંચાર વિભાગ, વાણીજ્ય અને ઉદ્યોગ મંત્રી, ગૃહ મંત્રી વિભાગના પ્રધાન હતા. ૧૯૬૪માં જયારે લાલ બહાદુર શાસ્ત્રી વડાપ્રધાન બન્યા ત્યારે તેમના શાસનકાળ દરમિયાન ૧૯૬૫માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું. તે સમયે દેશમાં ભયંકર દુષ્કાળ હતો અને ખાદ્ય ચીજોની અછત સર્જાઈ હતી. આ સંકટને ટાળવા માટે તેમને દેશવાસીઓને એક દિવસના અપવાસ કરવાની અપીલ કરી. તેમજ કૃષિ ઉત્પાદનમાં આત્મનિર્ભરતા માટે તેમને ‘જય જવાન જય કિસાન’ નો નારો લગાવ્યો હતો. શાસ્ત્રીને તેમની સાદગી, દેશભક્તિ અને ઈમાનદારી માટે આખું ભારત શ્રદ્ધાપૂર્વક યાદ કરે છે. તેમને વર્ષ ૧૯૬૬માં મરણોપરાંત ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા.પૂ. મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીજી જન્મજયંતી નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ ડૉ. અમીબેન યાજ્ઞિક, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ શ્રી હિંમતસિંહ પટેલ, ધારાસભ્યશ્રી ઇમરાન ખેડાવાલા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ શ્રી બીમલભાઈ શાહ, એ.આઈ.સી.સી.ના સહમંત્રી શ્રી નીલેશ પટેલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી, પ્રવક્તા શ્રી રત્નાબેન વોરા, પૂર્વ ધારાસભ્ય શ્રી રઘુભાઈ દેસાઈ, મહામંત્રી શ્રી બલદેવભાઈ લુણી, શ્રી રાજુભાઈ બ્રહ્મભટ્ટ સહીતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહી પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને પૂ. મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીજીના જીવન માંથી પ્રેરણા મેળવવાનો સંકલ્પ કર્યો હતો.