ગાંધીનગરના અડાલજ બ્રિજ નજીક વાહન ચેકીંગ દરમ્યાન પોલીસને હાથતાળી આપીને બુટલેગર બિનવારસી હાલતમાં રીક્ષા મૂકીને ગયો હતો. બાદમાં પોલીસે રીક્ષાની તલાશી લઈ સ્પીકર બોક્સનાં ખાનામાંથી દારૂની 30 બોટલો શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બુટલેગરો દારૂની હેરાફેરી માટે નિત નવા કિમીયા અજમાવતા રહેતા હોય છે. તેમ છતાં પોલીસની નજરથી બચી શક્તા નથી. ગઈકાલે પણ અડાલજ પોલીસ શેરથા ટોલટેક્સ આગળ વાહન ચેકીંગ કરી રહી હતી. એ દરમ્યાન કલોલ તરફથી આવતી સીએનજી રીક્ષાને ઉભી રાખવા ઈશારો કરીને સૂચના અપાઈ હતી.
આથી ચાલકે પોલીસને જોઈને રીક્ષા ધીમી પણ પાડી ઉભા રહી જવાનો ડોળ કર્યો હતો. જો કે પોલીસ જેવી રીક્ષાની નજીક પહોંચી તો ચાલકે એકદમ કટ મારીને રીક્ષા ભગાડી મુકી હતી. એટલે પોલીસે રીક્ષાનો પીછો શરૂ કર્યો હતો. અને અડાલજ બ્રિજ નજીક ચાલક રીક્ષા રેઢિયાળ મૂકીને નાસી ગયો હતો. પોલીસે આસપાસના વિસ્તારમાં તપાસ કરી હતી. પરંતુ રીક્ષા ચાલક મળી આવ્યો ન હતો.
બાદમાં પોલીસે શંકાના આધારે રીક્ષાની તલાશી શરૂ કરી હતી. જ્યાં પાછળની બાજુ મોટા સ્પીકરનાં બોક્સમાં સંતાડેલ દારૂની 30 બોટલો મળી આવી હતી. જેનાં પગલે પોલીસે 10 હજાર 200 ની કિંમતનો દારૃ તેમજ રીક્ષા મળીને કુલ રૂ. 60,200 નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.