સુરતના સચિન વિસ્તારમાં વાહન ચોરીની ફરિયાદ નોંધાવનાર વ્યક્તિ જ આરોપી નીકળતા પોલીસ ચોંકી ઉઠી છે. વાહન અન્ય વ્યક્તિ પાસે ગીરવે મૂકી અને ઇન્સ્યોરન્સ કંપનીમાંથી પોલીસી પકવવા માટે આરોપીએ પોતે જ સચિન અને અલથાણ પોલીસ મથકમાં બે અલગ-અલગ વાહન ચોરીની ફરિયાદ નોંધાવી હતી. પરંતુ પોલીસ તપાસમાં ભાંડો ફૂટી જતા ફરિયાદી જાતે આરોપી બની ગયો છે.જ્યાં સચિન પોલીસ દ્વારા આરોપી પાસેથી જ બુલેટ પણ કબજે કરવામાં આવ્યું છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
સુરતના સચિન પોલીસ મથકના સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર એપ્રિલ માસ દરમિયાન સુરતના સચિન પોલીસ મથકની હદમાં રહેતા અજય જીતેન્દ્ર દાસ દ્વારા સચિન પોલીસ મથકમાં બુલેટ ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. અજય જીતેન્દ્ર દાસ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે, પોતાની માતાન નામે રજીસ્ટ્રેશન થયેલી બુલેટ અજાણ્યા ચોર શખ્સો દ્વારા ચોરી કરવામાં આવી છે. જે બુલેટ ચોરીની ફરિયાદ લઈ સચિન પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
સચિન પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે ફરિયાદી અજય જીતેન્દ્ર દાસની જે બુલેટ છે, તે બુલેટ તેણે 75 હજાર રૂપિયામાં અન્ય વ્યક્તિ પાસે ગીરવે મૂકી હતી. ત્યારબાદ આ બુલેટ અન્ય વ્યક્તિને 77 હજાર રૂપિયામાં વેચી મારી હતી. ઇન્સ્યોરન્સ કંપનીમાં પોલીસ એફઆઈઆર રજૂ કરી પોલીસી પકવવા માટે તેણે ખોટી પોલીસ ફરિયાદ કરી હતી. સચિન પોલીસની તપાસમાં આ ચોંકાવનારી બાબત સામે આવતા અજય જીતેન્દ્ર દાસની અટકાયત કરી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. એટલું જ નહીં પરંતુ પોલીસની પૂંછપરછમાં ફરિયાદી અજય દાસ ભાંગી પડ્યો હતો અને ગુના ની કબુલાત કરી હતી.
વધુમાં આરોપીએ આ જ પ્રકારે પોતાની પલ્સર મોટરબાઇક પણ અન્ય વ્યક્તિ પાસે મૂકી રોકડી કરી લીધી હતી. જે અંગે પણ પોલીસ મથકમાં ખોટી વાહન ચોરીની ફરિયાદ નોંધાવી હતી. ઇન્સ્યોરન્સ કંપનીમાં અલથાણ પોલીસની વાહન ચોરીની ફરિયાદની એફઆઈઆર કોપી રજૂ કરી પોલીસી પકવવામાં આવી હતી. આમ આરોપી દ્વારા બે અલગ-અલગ ગુનામાં પોતે ફરિયાદી બની વાહન ચોરીની ફરિયાદ નોંધાવી હતી. પરંતુ પોલીસ તપાસમાં આરોપીનો ભાંડો ફૂટી જતા હાલ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.