ઘણીવાર હિન્દુ ધાર્મિક પુસ્તકોમાં અનેકવાર આપણે કથાની શરૂઆતમાં ‘એક ગરીબ બ્રાહ્મણ..’ તેવું સાંભળતા હોઈએ છીએ. ત્યારે રાજકોટ જિલ્લામાં રહેતા એક બ્રાહ્મણ આ વાતને અપવાદ સાબિત કરે છે. રાજકોટ જિલ્લામાં આવેલા ગજાનન માલસર આશ્રમના ગુરુજી વિજય જોશી સવા કિલોની જનોઈ ધારણ કરે છે. તેટલું જ નહીં, કમરે પિસ્તોલ પણ રાખે છે અને કંઠસ્થ સંસ્કૃતના શ્લોકોનું પઠન કરી શાસ્ત્રાર્થ પણ કરે છે.
માલસર ગજાનન આશ્રમમાં સેવાકીય પ્રવૃત્તિ કરનારા ગુરુજી વિજયભાઈ જોશીએ ‘બ્રાહ્મણ કદાપિ ગરીબ નથી હોતો’ આ વાત સાબિત કરવા માટે શરીર પર સવા કિલોની સોનાની જનોઈ ધારણ કરી છે. તો સાથે જ કમર પર પિસ્તોલ રાખી કલિકાળમાં બ્રાહ્મણ રાષ્ટ્રહિત માટે તેમજ દુષ્ટોના નાશ માટે શસ્ત્ર ઉઠાવી દુષ્ટોનો સંહાર પણ કરી શકે તેનો પણ પરિચય આપે છે. આ સાથે જ તેઓ મુખેથી સંસ્કૃતના શ્લોકનું પઠન કરી બ્રાહ્મણના રક્તના એક એક કણમાં શાસ્ત્ર ગૂંથાયેલું હોય છે તેનું પ્રમાણ આપે છે.
વિજયભાઈ જોશીનું કહેવું છે કે, ‘પરશુરામે એક શ્લોકમાં ખૂબ સરસ વાત શાસ્ત્ર અને શસ્ત્ર માટે કહી છે. ‘अग्रत: चतुरो वेदा: पृष्ठत: सशरं धनु:, इदं ब्राह्मं इदं क्षात्रं शापादपि शरादपि’ સજ્જનોને સમજાવવા માટે શાસ્ત્ર જ કાફી છે. પરંતુ દુર્જનોને સમજાવવા માટે એ જ પરશુરામ પોતાના પાછળના ભાગે ફરશું તેમજ ધનુષ-બાણ પણ રાખતા હતા.’
વિજયભાઈ કહે છે કે, ‘સોનાની જનોઈ ધારણ કરવાનો મારો દૃઢ સંકલ્પ હતો. પહેલાના સમયમાં લંકેશ એટલે કે રાવણ, તે એક વિદ્વાન બ્રાહ્મણ હતો તે પણ સોનાની જનોઈ ધારણ કરતો હતો. પહેલેથી એક ચીલો ચાલતો આવે છે કે, એક ગરીબ બ્રાહ્મણય… અમે એ વારતાને નિર્મૂળ ભૂંસવા માગીએ છીએ. બ્રાહ્મણ ગરીબ કે બિચારો ક્યારેય હોતો જ નથી. બધા યથાશક્તિ બ્રાહ્મણને દાન આપે છે અને બ્રાહ્મણ તેને ધનવાન-કિર્તિવાન બનવાના આશિર્વાદ આપતો હોય છે. તો બ્રાહ્મણ કેવી રીતે ગરીબ હોઈ શકે? બ્રાહ્મણ પાસે કદાચ ધન ઓછું હોઈ શકે છે પરંતુ તેની પાસે વિદ્યાજ્ઞાન તેમજ તપોબળ અન્ય કરતાં વધુ હોય છે. જેના કારણે બ્રાહ્મણ જ્યારે પણ પોતાના યજમાનોને આશિર્વાદ આપે છે ત્યારે તેમને યશ, કિર્તિ, ધન તેમજ દીર્ઘાયુ સહિતના આશીર્વાદ આપે છે.’
રાજ્યના નામાંકિત બ્યુરોક્રેટ્સ વિજયભાઈ જોશીમાં ખૂબ જ સારી એવી આસ્થા ધરાવે છે. તેમજ નાના માણસો પણ સમસ્યાઓ લઈ ગુરુજી વિજયભાઈ જોશી પાસે આવે છે. જેમને યથાયોગ્ય ઉપાય પણ અચૂક બતાવવામાં આવે છે. ધનતેરસના પર્વ ઉપર વિજયભાઈ જોશી દ્વારા લક્ષ્મી યાગ પણ કરવામાં આવે છે. આ અંતર્ગત તેઓ સોના ચાંદીના વરખ ચડાવેલા કમળના પુષ્પોની આહુતિ પણ આપે છે. તો સાથે જ સૂકમેવાની આહુતિ પણ દ્રવ્ય તરીકે તેઓ આપે છે.