દેશનાં પાંચ રાજ્યોમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ભાજપ દ્વારા ચૂંટણી પ્રચાર પૂરજોશમાં કરવામાં આવી રહ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ પાંચ રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં 15મી નવેમ્બરથી 7 ડિસેમ્બર વચ્ચે ગમે ત્યારે ચૂંટણીઓ યોજાઈ શકે છે.
આગામી બે કે ત્રણ દિવસમાં ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવશે તેવા સંકેતો મળે છે. ચૂંટણી પંચ દ્વારા શુક્રવારે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમાર અને રાજ્યોના ચૂંટણી ઓબ્ઝર્વર્સ વચ્ચે બેઠક યોજવામાં આવી હતી જેમાં હવે પછીની ચૂંટણીમાં મની અને મસલ્સ પાવર મતદારોને પ્રભાવિત ન કરે તે મુદ્દે ચર્ચા કરાઈ હતી. મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું હતું કે, ચૂંટણીની આચારસંહિતાનો કડક અમલ કરાશે. ચૂંટણીઓ યોગ્ય અને ન્યાયી રીતે હિંસામુક્ત યોજવામાં આવે તેવા પગલાં લેવાશે. ચૂંટણી પંચ દ્વારા પાંચેય રાજ્યોમાં ચૂંટણી યોજવા સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. ચૂંટણી પંચનાં સૂત્રોએ કહ્યું હતું કે, રાજસ્થાન, મધ્યપ્રદેશ, તેલંગાણા અને મિઝોરમમાં એક જ તબક્કામાં મતદાન થઈ શકે છે.