અમેરિકા, કેનેડા બાદ ગુજરાતીઓને સેટલ્ડ થવા હોટ ફેવરિટ ડેસ્ટિનેશન હોય તો તે યુકે છે. અનેક વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ વિઝા પર યુકે જવાનું પસંદ કરે છે. યુકે જવાનો ક્રેઝ વધારે છે. અહી પણ ભવિષ્ય સારું છે. ત્યારે તમને પણ મનમાં એવા સવાલો થતા હશે કે શું યુકે જવું યોગ્ય છે. હાલ જ્યારે બધો પ્રવાહ કેનેડા તરફ જઈ રહ્યો છે, આવામાં યુકે જવું કેટલુ યોગ્ય કહેવાય.આવામાં વિદ્યાર્થીઓ હાલ વિઝા એક્સપર્ટસને આ સવાલો કરી રહ્યાં છે.
ગમે તે દેશ હોય, જો કોઈ પણ પ્લાનિંગ વગર એ દેશમાં ગયા હોય તો પસ્તાવાનો વારો આવતો હોય છે તેવું ઘણાં કિસ્સામાં જોવા મળે છે. પરંતુ જો તમે માત્ર ત્યાં જવું જ છે તેના બદલે વ્યવસ્થિત પ્લાનિંગ કર્યું હોય તો ચોક્કસ પરદેશમાં પણ સારું જીવન જીવી શકો છો. વિદેશમાં ભણવા કે સેટલ્ડ થવા જાઓ તો પ્લાન બી બનાવીને જાઓ તેવુ એક્સપર્ટસનું કહેવુ છે. આવામાં યુકે કેટલું યોગ્ય, તે વિશે યુકે ગયેલા અને કડવો અનુભવ થયેલા એક વિદ્યાર્થીએ તેની આપવીતી જણાવી. આ જાણીને તમે યુકે જવાનું માંડી વાળશો.
પોતાનો અનુભવ શેર કરતા એક ગુજરાતી વિદ્યાર્થીએ જણાવ્યું કે, યુકે પહોંચ્યા પહેલા જે ઝગમગાટ દેખાતો હતો તે ત્યાં પહોંચ્યા પછી થોડા દિવસોમાં ગાયબ થઈ ગયો હતો. કારણ કે પેટ ભરવા માટે જ્યારે ડોલરની જરૂર પડે છે ત્યારે આ ઉત્સાહ કામ નથી આવતો. તમારે તમારા રોજિંદા ખર્ચા માટે નોકરી શોધવી જરુરી છે. ભારતીય વિદ્યાર્થીઓને જેવા તેવા નોકરીની આદત હોતી નથી. યુકેમાં લોકોને વાતો નોકરી મેળવવા અંગે સાંભળી હતી તેટલું સરળ જરાય નથી, એવા ઘણાં વિદ્યાર્થીઓ છે કે જેમને 2-3 મહિના સુધી નોકરીના ઠેકાણા પડતા નથી, આ કારણે પછી તેમણે વિદેશના ખર્ચા કાઢવા માટે ઘરેથી રૂપિયા મગાવવા પડે છે. જોકે, દરેકના કિસ્સામાં આવું થાય તે જરુરી નથી, કેટલાક એવા પણ છે કે જેમને પહેલા જ પ્રયાસમાં અહીં આવ્યાના અઠવાડિયામાં નોકરી મળી જતી હોય છે. પરંતુ તમે જ્યારે પરદેશમાં હોવ અને ભણવા સાથે તમારા રહેવા-જમવા સહિતના ખર્ચા કાઢવાના હોય ત્યારે જરૂર પડે તો બધા કામ કરવા તૈયાર રહેવું જોઈએ.
હવે યુકે ગયેલા વિદ્યાર્થીઓને નવી સમસ્યા સતાવી રહી છે. વિદ્યાર્થીઓનું કહેવુ છે કે, અહી પણ કેનેડાની જેમ નવા ઘર મળી રહ્યા નથી. ભાડાના ઘર શોધવા માટે ભટકવુ પડી રહ્યું છે. તો નોકરી તો સરળતાથી મળી જ નથી રહી. ઓછા ડોલરમાં પણ અમે કામ કરવા તૈયાર છીએ, પરંતુ કોઈ કામ આપતુ નથી.
એક વિદ્યાર્થીએ કહ્યું કે, હું નોકરી મેળવવા માટે 6 થી 7 મહિના ઘરે બેસી ગયો. હુ ગમે તે કામ કરવા તૈયાર હતો, છતાં મને નોકરી મળતી ન હતી. આવામાં તમારા ખર્ચા વધતા જાય છે. તમારી કમાણી ન હોય ત્યારે વિદેશમાં ડોલરમાં ખર્ચા કરવા આકરા લાગવા લાગે છે. કારણ કે, પછી તો ઘરેથી રૂપિયા મંગાવવા પડે છે. જો નોકરી ન મળે તો ઘરે બેસી રહેવુ પડે છે, વિચારો તમને ઘેરી વળે છે. અહી તમને મફતમાં ખવડાવવા માટે કોઈ હોતુ નથી. મગજમાં ટેન્શનના કારણે વિચારો આવતા રહે છે.