ગાંધીનગરના દંતાલી ગામનાં પંચાલ વાસમાં રહેતાં રવિ હીતેન્દ્રભાઈ પટેલ દ્વારા મોટાપાયે જુગારધામ ચલાવવામાં આવતું હોવાની મળેલી બાતમીના પગલે અડાલજ પોલીસે ત્રાટકીને 13 જુગારીઓને રંગેહાથ ઝડપી પાડી 34 હજાર 220 રોકડા, મોબાઈલ ફોન – 10 તેમજ જુગારનું સાહિત્ય મળીને કુલ રૂ. 79 હજાર 220 નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ સેટ્ટીએ તાબાનાં પોલીસ અધિકારીઓને પોતાની હદ વિસ્તારમાં ચાલતી દારૂ – જુગારની પ્રવૃતિઓ બંધ કરાવી દેવાની કડક સૂચનાઓ આપવામાં આવી છે. જે અન્વયે અડાલજ પોલીસ મથકના પીઆઈ એસ. આર. મુછાળની ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી. એ દરમ્યાન એએસઆઇ નિલેશકુમાર નરેશભાઈને પાક્કી બાતમી મળેલ કે, દંતાલી ગામના પંચાલ વાસમાં રહેતો રવિ હીતેન્દ્રભાઈ પટેલ બહારથી માણસોને બોલાવી પોતાના રહેણાંક મકાનમાં મોટાપાયે જુગારધામ ચલાવી રહ્યો છે.
આ બાતમી મળતાં જ પોલીસ કાફલો પંચાલ વાસનાં નાકે વાહનો મૂકીને ચાલતાં ચાલતાં બાતમી વાળા મકાનમાં ત્રાટક્યો હતો. જ્યાં પ્રથમ માળે જુગારીઓ કુંડાળું વળીને જુગાર રમી રહ્યા હતા અને પોલીસને જોઈને ફફડી ઉઠેલા જુગારીઓએ ગંજીપાના ફેંકી દીધા હતા. બાદમાં જુગારીઓને જેતે સ્થિતિમાં બેસી રહેવાની સૂચના આપી પોલીસે કડકાઈથી પૂછતાંછ શરૂ કરી હતી.
જેમણે પોતાના નામ રવિ હિતેન્દ્રભાઈ પટેલ, નરેશ બળદેવજી ઠાકોર,અજય પ્રહલદાજી ઠાકોર, રોહીત મહેશજી ઠાકોર, છબીલ ઉર્ફે શની દિનેશજી ઠાકોર,સેધાજી મંજુજી ઠાકોર, પાર્થ નિકુલભાઈ પંચાલ, મહેશ ભીખાજી ઠાકોર, રાકેશ રમેશજી ઠાકોર (તમામ રહે. દંતાલી), દિપક કાંન્તીજી ઠાકોર(રહે. શેરથા ગામ, કસ્તુરીનગર), અભિષેક વિજયભાઈ પટેલ (રહે. શેરથા ગામ, પટેલનો માઢ), સુરેશ હરીભાઇ રાવળ (રહે.બોપલ ગામ, સુથાર વાસ) તેમજ મહેન્દ્ર રમેશભાઇ વાઘેલા(રહે, બોપલ ગામ, સોની વાસ) હોવાની કબૂલાત કરી હતી.
આ તમામ જુગારીઓની અંગ ઝડતી લઈ 27હજાર રોકડા તેમજ દાવ પરથી રૂ. 7220 મળીને કુલ રૂ. 34 હજાર 220, મોબાઈલ ફોન નંગ – 10 તેમજ જુગારનું સાહિત્ય મળીને કુલ. 79 હજાર 220 નો મુદ્દામાલ જપ્ત કરી જુગાર ધારા હેઠળ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.