મહેસાણાનાં કડી ખાતેથી વિદેશી દારૂનો જથ્થો કારમાં ભરીને ગાંધીનગરમાં આવેલા બે બુટલેગરોને સેક્ટર – 21 પોલીસે પૂર્વ બાતમીના આધારે કોલવડા તરફ જતાં રોડ પર આંતરી લઈને 38 હજારનો દારૂ સહિત કુલ રૂ. 1 લાખ 24 હજારનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીનગર સેક્ટર – 21 પોલીસ મથકના પીઆઈ રાકેશ ડામોરની સૂચનાથી સર્વેલન્સ સ્કવોર્ડની ટીમ રાત્રિ દરમ્યાન પેટ્રોલીંગ કરી રહી હતી. એ દરમ્યાન ટીમના પ્રદીપસિંહ દિલાવરસિંહ તેમજ મહાવીરસિંહ કુબેરસિંહ રાણાને સંયુક્ત બાતમી મળી હતી કે, મહેસાણાનાં કડીના બે બુટલેગરો ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને ગાંધીનગર આવ્યા છે અને કાર લઈને સેકટર – 25 ગુડાનાં મકાનોથી કોલવડા તરફ જતાં રોડ પરથી પસાર થનાર છે.
જે બાતમીના આધારે સર્વેલન્સ સ્કવોર્ડની ટીમે ખાનગી વાહનમાં છુટા છવાયા કોલવડાથી ગુડાના મકાનવાળા રોડ ઉપર વોચ ગોઠવી દેવામાં આવી હતી. તે દરમ્યાન બાતમી વાળી ગાડી દૂરથી આવતાં દેખાતા જ પોલીસે તેને કોર્ડન બે ઈસમોને દબોચી લીધા હતા. જેમની પૂછતાંછ કરતાં તેમણે પોતાના નામ ચિરાગ તલાજી ઠાકોર (હાલ રહે. મલ્હારપુરા પટેલવાસ તા.કડી) તેમજ મહેન્દ્ર બળદેવભાઈ વાઘેલા (રહે. ભાવપુરા વાલ્મીકીવાસ તા.કડી) હોવાનું જણાવ્યું હતું.
બાદમાં પોલીસે ગાડીની તલાશી લેતાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જો કે જાહેર રોડ પર દારૂનો જથ્થો ગણવો હિતાવહ નહીં હોવાથી બંને ઈસમોને કાર સાથે સેકટર – 21 પોલીસ સ્ટેશને લઈ આવવામાં આવ્યા હતા. જ્યાં દારૂની બોટલોની ગણતરી કરતા જુદી જુદી બ્રાન્ડનો અંદાજીત 38 હજારનો વિદેશી દારૂનો જથ્થો હોવાનું સામે આવ્યું હતું. આ મામલે પૂછતાંછ કરતાં બન્ને બુટલેગરોએ ચૂપકીદી સાધી લીધી હતી. જેમાં પગલે પોલીસે બન્નેની ધરપકડ કરી દારૂનો જથ્થો, મોબાઈલ ફોન તેમજ કાર મળીને કુલ રૂ. 1.24 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળનું પગેરૂ શોધવા વધુ તપાસ હાથ ધરી છે.