ગાંધીનગરના પેથાપુરમાં માથાભારે શખ્સોએ શ્રમજીવી યુવાનને અમારી સામે કતરાઈને ત્રાસી આંખે કેમ જુએ છે કહીને ઘેરી લઈ દાંતી તેમજ છરીના આડેધડ ઘા ઝીંકી ગડદાપાટુનો ઢોર મારમારી જાતિ વિષયક અપશબ્દો બોલી જીવલેણ હુમલો કર્યો હતો. જેથી સ્થાનિકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. આ મામલે પેથાપુર પોલીસે એટ્રોસીટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીનગરના પેથાપુરમાં પોલીસનો ડર રાખ્યા વિના માથાભારે શખ્સો બેફામ બનીને લુખ્ખાગીરી કરતાં હોવાની વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. થોડા મહિના અગાઉ પેથાપુર ખાતે પાનનાં ગલ્લાએ નજીવી બાબતે માથાભારે ઈસમોએ બે શ્રમજીવી યુવાનોને માર મારી છરી પેટમાં હુલાવી દઈ હત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે આ વખતે પણ સામે જોવા બાબતે ઝગડો કરીને પાંચ માથાભારે શખ્સોએ શ્રમજીવી યુવાનને ઘેરી લઈ દાંતી – છરીના ઘા ઝીંકી જીવલેણ હૂમલો કરવામાં આવતાં પોલીસ ચોપડે ફરિયાદ નોંધવામાં આવી છે.
પેથાપુર આંબેડકરનગર સ્ટેટ ખાતે રહેતો રોહિત ઉર્ફે નેનો મહેન્દ્રભાઇ રાઠોડ છુટક મજુરી કામ કરી પરીવારનું ગુજરાન ચલાવે છે. ગઈકાલે રાતનાં રોહિત તેના મહોલ્લાની પાસે આવેલ લીંબડીયા તરીકે ઓળખાતા ઓટલા પાસે ઉભો હતો. જ્યાંથી જીગર ઠાકોર (રહે. તરપોજવાસ) નિકળ્યો હતો અને રોહિતને કહેવા લાગેલ કે, તું શુ મારી સામે જોઈને કતરાઇ છે કહી જાતિ વિષયક અપશબ્દો બોલ્યો હતો. આથી રોહિત ઘરે જતો રહ્યો હતો.
થોડીવાર પછી રોહિત પાછો ઓટલાએ ગયો હતો. જ્યાં પહેલેથી જીગર ઠાકોર, હિતેશ ઠાકોર અને તેનો ભાઈ ચંદુજી ઠાકોર, સુરેશ ઠાકોર તેમજ ચંદુજી કાળાજી ઠાકોર હાજર હતા અને જીગરે જાતિ વિષયક અપશબ્દો બોલી અમારી સામે ત્રાસી નજરે જોવે છે તેમ કહી રોહિતને લાફો ઝીંકી દીધો હતો. જેને છોડાવવા ત્યાં હાજર રહીમ અને વિશાલ વચ્ચે પડ્યા હતા. એટલે ઉક્ત પાંચેય ઈસમોએ રોહિતને ફરીવળી ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા.
આ અરસામાં ઘરેથી દાંતી લઈ આવી જીગર ઠાકોરે રોહિત પર હુમલો કર્યો હતો અને હિતેશ ઠાકોરે છરી વડે હૂમલો કર્યો હતો. જ્યારે સુરેશે ધોકો લઈને ફરી વળ્યો હતો. આ જીવલેણ હુમલામાં રહીમ અને વિશાલને પણ ગડદાપાટુનો માર માર્યો હતો. ઉપરાંત ચંદુજી તથા ચંદુજી કાળાજી ઠાકોરે પણ માર માર્યો હતો. જેમના વધુ મારમાંથી બચવા રોહિતે બુમાબુમ કરી મુકતા મહોલ્લામાંથી તેનો ભાઈ સહિતના અન્ય લોકો દોડી આવ્યા હતા. જેથી ઉક્ત હુમલાખોરો ફરી મળીશ તો જાનથી મારી નાખવાની ધમકીઓ આપી નાસી ગયા હતા, બાદમાં રોહિતને લોહી લુહાણ હાલતમાં 108 એમ્બ્યુલન્સ થકી સિવિલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.