વર્તમાન સમયમાં યુવકોમાં વિદેશ જવાનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. આવા સમયે તેમને વિદેશ મોકલવાની લાલચ આપી તેમના પાસેથી લાખો રૂપિયા ખંખેરી લેતી ટોળકી પણ સક્રિય થઈ છે. છેલ્લા ઘણા સમયથી આવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, છતાં તેમાથી બોધપાઠ લેવાને બદલે યુવકો ઠગોની જાળમાં ફસાઈ જતા હોય છે અને લાખો રૂપિયા ગુમાવતા હોય છે.
આવો જ વધુ એક કિસ્સો પાલનપુરથી સામે આવ્યો છે. જેમાં વિદેશમાં વાર્ષિક 35થી 40 લાખના પગારની નોકરીની લાલચ આપી ઠગે યુવકને રૂ.9 લાખનો ચૂનો લગાવ્યો છે. નોકરીની લાલચમાં આવી આપેલા નાણા પરત ન આપતા પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશન ખાતે ધુતારા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી અનુસાર, પાલનપુરના બેચપુરા વિસ્તારમાં રહેતા બળદેવભાઈ પંચાલના દીકરા અનિરૂધ્ધની આજથી ત્રણ વર્ષ અગાઉ પાલનપુર બસ સ્ટેન્ડ ખાતે મનીષ હરગોવનભાઈ પટેલ (રહે. શક્તિ ક્લાલીસ ફ્લેટ, કલોલ) મુલાકાત થઈ હતી. આ દરમિયાન મનીષ પટેલે અનિરૂધ્ધને પોતે યુવકોને વિદેશમાં મોટા પગારમાં નોકરી અપાવતો હોવાનું જણાવ્યું હતું.
જે બાદ કોરોના સમયમાં અનિરુધ્ધ પંચાલની નોકરી છુટી જતાં બેકાર હતો. જેથી વિદેશમાં જઈને પૈસા કમાવવાની લાલચ જાગતા તેણે આ વિશે માતા ભારતીબેન પંચાલ સાથે વાત કરી હતી. જેથી તેમણે અનિરુધ્ધને વિદેશ જવાની મંજૂરી આપી હતી, જે બાદ અનિરુધ્ધ મનીષ પટેલને મળવા પહોંચ્યો હતો.
જે બાદ મનીષે તેને વિદેશમાં વાર્ષિક 35થી 40 લાખના પગારની નોકરી અપાવવાનો વાયદો આપ્યો હતો. જેના બદલામાં તેણે 10 લાખની માંગ કરી હતી. વિદેશમાં મોટા પગારની લાલચમાં આવવીને ભારતીબેને તારીખ 23 ફેબ્રુઆરી 2021થી 19 મે 2022 દરમિયાન જુદાજુદા સમયે રૂપિયા 9,60,000 આપ્યા હતા.
ઘણો સમય વીતી ગયા બાદ તેમના દીકરા અનિરુધ્ધને નોકરી ન મળતા ભારતીબેન મનીષ પટેલને મળવા પહોંચ્યા હતા. જ્યાં તેમને દાળમાં કંઈક કાળુ લાગતા તેમણે મનીષ પટેલ પાસે રૂપિયાની ઉઘરાણી કરી હતી. જેથી તેણે 50,000 રૂપિયા પરત આપ્યા હતા. ત્યાર બાદ મનીષે બીજા પૈસા પછી આપવાનું જણાવ્યું હતું.
જે બાદ મનીષે ફોન ઉપાડવાનું બંધ કરી દીધુ હતું. આથી ભારતીબેન અને તેમનો દીકરો અનિરુધ્ધ મનીષ હરગોવનભાઈ પટેલ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવવા પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને ઠગબાજ મનીષ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે તેમની ફરિયાદના આધારે કલોલના મનીષને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.