આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી
ખંભાળિયામાં કમિશન પર ગુજરાન ચલાવનાર એક ભાઈની વાત કોઈ અઘિકારી કે પોલીસે સાંભળી નહીં અને આખરે તેઓએ આત્મહત્યા કરી લીધી: ઇસુદાન ગઢવી
આ ગંભીર બાબત પર મેં અધિકારીઓ સાથે વાત કરી ત્યારે જઈને અમુક લોકોની ધરપકડ થઈ: ઇસુદાન ગઢવી
અમદાવાદ
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ હચમચાવી દેનાર ગંભીર મુદ્દા પર વાત કરતા જણાવ્યું કે, રાજકોટમાં આઠ વર્ષની દીકરી પર ત્રણ નરાધમોએ બળાત્કાર કર્યો અને એના માથામાં પથરો મારીને માથું છૂંદીને તેની હત્યા કરી નાખી. એક સમય હતો જ્યારે યુપી અને બિહાર માટે કહેવાતું હતું કે ત્યાંની કાનૂન વ્યવસ્થા ખાડામાં ગઈ છે. આજે ગુજરાતમાં પણ એવી જ સ્થિતિ છે. આજે ગુજરાતમાં દરરોજ હત્યાઓ, બળાત્કાર, બળાત્કાર બાદ હત્યા જેવી ઘટનાઓ ઘટી રહી છે. કારણ કે ગુનેગારોમાં કોઈ ડર રહ્યો નથી. આ બધાથી ઉપર લાગવગશાહી ચરમસીમાએ પહોંચી છે.મારા ખંભાળિયા વિસ્તારની વાત કરું તો ભાયાભાઈ આહીર કરીને એક ભાઈ હતા. જે મગફળી અને કપાસના વેપારમાં જે કમિશન મળે એ કમિશનથી પોતાનું ઘર ચલાવતા હતા. એમના ઉપરના વેપારીઓએ અઢી કરોડ રૂપિયા એમને ચૂક્યા નહીં અને આની વારંવાર રજૂઆત કરી, વારંવાર પોલીસ સમક્ષ પણ રજૂઆત કરી, તો પણ કોઈએ એમની વાત સાંભળી નહીં. અને છેલ્લે એક વિડીયો બનાવીને તેમણે આત્મહત્યા કરી. તેમની પાંચ દીકરીઓ છે. એ દીકરીઓ સાથે મેં વાત કરી ત્યારે મારા રૂવાંટા ઉભા થઈ ગયા. એમણે કહ્યું કે કોઈ એમની વાત સાંભળતું ન હતું અને ખૂબ જ લાગવગશાહી હતી, માટે ભાયાભાઈ આહિરે આત્મહત્યા કરી. તેમણે વીડિયોમાં એમ કહ્યું કે અમને ન્યાય અપાવજો. અને ત્યારબાદ દીકરીઓએ પણ આ બાબતનો વિડીયો બનાવ્યો. આ ગંભીર બાબત પર મેં અધિકારીઓ સાથે વાત કરી ત્યારે જઈને અમુક લોકોની ધરપકડ થઈ. મારું માનવું છે કે ગુજરાતમાં ગુનેગારો માટે કોઈ જગ્યા ન હોવી જોઈએ.