ગુજરાતના પીડિત યુવાનો મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીની યુવા અધિકાર યાત્રામાં જોડાશે: અંગ્રેજોના કાળા કાયદા સમાન જ્ઞાન સહાયકનો કાળો કાયદો રદ કરવામાં આવે અને શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે ઉદ્દેશથી આ યાત્રા શરૂ કરવામાં આવશે:જ્ઞાન સહાયકનો કાયદો ખાનગીકરણને વેગ આપતો કાયદો છે : યુવરાજસિંહ જાડેજા
જ્ઞાન સહાયકો જ્યારે પોતાની રજૂઆત કરવા જાય ત્યારે તેમને પોલીસ પકડી જાય છે અને તેમને ધમકી આપવામાં આવે છે કે “તમારા પર એફઆઇઆર કરીશું, પાસપોર્ટ જપ્ત કરીશું, અલગ અલગ ગુના દાખલ કરીશું”: ઈસુદાન ગઢવી
સરકારી શાળાઓને બંધ કરીને પ્રાઇવેટ શાળાઓને વેગ મળે, એ ઉદ્દેશથી આ કાળો કાયદો લાવવામાં આવ્યો છે:પ્રાઇવેટ શાળાઓમાં ક્યાંક ને ક્યાંક ભાજપના મળતીયાઓની મિલીભગત છે ? : યુવરાજસિંહ જાડેજા
ભાજપના નેતાઓના બાળકો વિદેશોમાં ભણે છે અને ગુજરાતના ગરીબ અને મધ્યમવર્ગના બાળકો ભણી ના શકે, એટલા માટે તેઓએ જ્ઞાનસહાયકની ભરતી કોન્ટ્રાક્ટર કરવાનું નક્કી કર્યું છે: ઈસુદાન ગઢવી
અમદાવાદ
આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધિત કરતા જણાવ્યું કે, વર્તમાન સમયમાં ઘણા બધા મુદ્દાઓ સરકાર સામે પડકાર ફેંકી રહ્યા છે. સરકારી ભરતીનો મુદ્દો હોય કે પરીક્ષામાં ગેરરીતિનો મુદ્દો હોય, આ બધામાં સૌથી પેચીદો મુદ્દો છે જ્ઞાન સહાયકનો મુદ્દો. જ્ઞાન સહાયકના મુદ્દે અમે અવારનવાર સરકારની સામે આંદોલન કરતા આવ્યા છીએ અને ગુજરાતના દરેક યુવાનો વતી અમે અમારી વાત રજૂ કરતા આવ્યા છીએ.
આજે અમે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી રહ્યા છીએ અને સરકારને અલ્ટીમેટમ આપી રહ્યા છીએ. જ્ઞાન સહાયકનો કાયદો અંગ્રેજોના કાળા કાયદા સમાન કાયદો છે. આ સરકાર યુવાનો પર કાળો કાયદો લગાવી રહી છે. આ કાળા કાયદાનું અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને આવનારા દિવસોમાં એડી ચોટીનું જોર લગાવીને આ કાયદાને રદ કરવા માટે અમે તમામ મોરચે લડત આપવા માટે તૈયાર છીએ. જ્ઞાન સહાયકનો કાયદો ખાનગીકરણને વેગ આપતો કાયદો છે. એટલે કે સરકારી શાળાઓને બંધ કરીને પ્રાઇવેટ શાળાઓને વેગ મળે, એ ઉદ્દેશથી આ કાળો કાયદો લાવવામાં આવ્યો છે. આ પ્રાઇવેટ શાળાઓમાં ક્યાંક ને ક્યાંક ભાજપના મળતીયાઓની મિલીભગત છે. આના કારણે ગુજરાતના ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને ખૂબ જ મોટું નુકસાન થવા જઈ રહ્યું છે.
આ કાયદાના વિરોધમાં આમ આદમી પાર્ટીએ એક યાત્રાનું આયોજન કર્યું છે. આમ આદમી પાર્ટી દ્વારા આ યાત્રા દાંડીથી શરૂ કરવામાં આવશે અને ગાંધી આશ્રમ સુધી આ યાત્રા ચાલશે. અંગ્રેજોના શાસનમાં મીઠા પર ટેક્સ લગાવવામાં આવ્યો હતો તે સમયે ગાંધી આશ્રમથી દાંડી સુધી યાત્રા કાઢવામાં આવી હતી અને મીઠાના કાયદાને રદ કરાવવા માટે મહાત્મા ગાંધીજીએ યાત્રા શરૂ કરી હતી. એ જ રીતે અમે ઉંધી દાંડી યાત્રા શરૂ કરવા જઈ રહ્યા છીએ. આ યાત્રા નું નામ ‘યુવા અધિકાર યાત્રા’ રાખવામાં આવ્યું છે અને આ યાત્રા 13 ઓક્ટોબરના રોજ શરૂ થશે અને 20 ઓક્ટોબરના રોજ ગાંધી આશ્રમ ખાતે તેનું સમાપન થશે. આ યાત્રામાં મોટી સંખ્યામાં પીડિત યુવાનો જોડાવા જઈ રહ્યા છે. જે રીતે ગાંધીજીની સાથે 78 પ્લસ એક સાથીઓ હતા, તે જ રીતે અમારી યાત્રામાં 78 પ્લસ એક ઉમેદવારો જોડાવા જઈ રહ્યા છે. “જ્ઞાન સહાયકનો કાળો કાયદો રદ કરો અને શિક્ષકોની કાયમી ભરતી કરો” તે ઉદ્દેશ સાથે અમે આ ઉંધી દાંડી યાત્રાનું આયોજન કર્યું છે.
ત્યારબાદ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પોતાની વાત રજૂ કરતાં જણાવ્યું કે, મોંઘવારી એક બાજુ ચરમસીમાએ પહોંચી છે અને બીજી બાજુ હવે કાયમી ભરતીઓ પણ નથી. ભાજપના નેતાઓના બાળકો વિદેશોમાં ભણે છે અને ગુજરાતના ગરીબ અને મધ્યમવર્ગના બાળકો ભણી ના શકે, એટલા માટે તેઓએ જ્ઞાનસહાયકની ભરતી કોન્ટ્રાક્ટર કરવાનું નક્કી કર્યું છે. જ્યારે ગુજરાતના યુવાનો મંત્રીને મળવા જાય છે ત્યારે તેમને જવાબ આપવામાં આવે છે કે “નોકરી કરવી હોય તો કરો.” જો જ્ઞાન સહાયકોની આવી હાલત થતી હોય, પેપર લીક થતા હોય, કાનુન વ્યવસ્થા તળિયે હોય અને મોંઘવારી ચરમસીમાએ હોય, ત્યારબાદ પણ ભાજપનો ઉમેદવાર પાંચ લાખની લીડથી જીતી જાય છે, એમાં ભાજપનો વાંક નથી પરંતુ એ આપણને મૂર્ખ બનાવે છે માટે આપણો વાંક છે. જ્ઞાન સહાયકો જ્યારે પોતાની રજૂઆત કરવા જાય ત્યારે તેમને પોલીસ પકડી જાય છે અને તેમને ધમકી આપવામાં આવે છે કે “જો તમે વારંવાર આ મુદ્દો ઉઠાવશો તો તમારા પર એફઆઇઆર કરીશું, પાસપોર્ટ જપ્ત કરીશું, અલગ અલગ ગુના દાખલ કરીશું”. આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહએ વારંવાર જ્ઞાન સહાયકનો મુદ્દો ઉઠાવ્યો અને એમને જેલમાં પણ નાખવામાં આવ્યા. પરંતુ અમે જેલથી ડરી જઈએ એટલા ડરપોક નથી. મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી જે ઓફિસમાં બેસે છે એ ઓફિસનો ખર્ચો ગુજરાતના યુવાઓના માતા પિતાએ પરસેવો પાડીને જે ટેક્સ આપ્યો છે એ ટેક્સના પૈસેથી એ ઓફિસોમાં તમે બેઠા છો. ગ્રેડ પે માટે પોલીસ વિભાગ ડિમાન્ડ કરી રહ્યો હતો પરંતુ તમે તમારો પગાર વધારી લો છો.
*યુવા અધિકાર યાત્રાનો રૂટ નીચે મુજબ છે
*યુવા અધિકાર યાત્રા
*દાંડી થી સાબરમતી આશ્રમ
*૧૩મી ઓક્ટોબર થી ૨૦મી ઓક્ટોબર
*૧૩ ઓક્ટોબર
સવારે ૧૦ વાગે દાંડી
બપોરે ૧ વાગે નવસારી (લંચ)
સાંજે ૪ વાગે મહુવા (રાત્રી)
*૧૪ ઓક્ટોબર
સવારે ૧૦ વાગે બારડોલી
બપોરે ૧ વાગે વ્યારા (લંચ)
સાંજે ૪ વાગે માંડવી (રાત્રી)
*૧૫ ઓક્ટોબર
સવારે ૧૦ વાગે નેત્રંગ
બપોરે ૧ વાગે મોવી ( લંચ)
સાંજે ૪ વાગે રાજપીપળા (રાત્રી)
*૧૬ ઓક્ટોબર
સવારે ૧૦ વાગે કેવડીયા
બપોરે ૧ વાગે નસવાડી
સાંજે ૪ વાગે કંવાટ
સાંજે ૬ વાગે છોટા ઉદેપુર (રાત્રી)
* ૧૭ ઓક્ટોબર
સવારે ૧૦ વાગે દેવગઢ બારીયા
બપોરે ૧ વાગે દાહોદ (લંચ)
સાંજે ૪ વાગે ગોધરા
*૧૮ ઓક્ટોબર
સવારે ૧૦ વાગે સહેરા
બપોરે ૧ વાગે લુણાવાડા(લંચ)
સાંજે ૪ વાગે મોડાસા (રાત્રી)
*૧૯ ઓક્ટોબર
સવારે ૧૦ વાગે શામળાજી
બપોરે ૧ વાગે ભિલોડા (લંચ)
સાંજે ૪ વાગે હિંમતનગર (રાત્રી)
*૨૦ ઓક્ટોબર
સવારે ૧૦ વાગે પ્રાતિંજ
બપોરે ૧ વાગે માણસા
સાંજે ૪ વાગે અમદાવાદ ગાંધી આશ્રમ