ગાંધીનગરનાં પૂર્વ કલેક્ટર એસ કે લાંઘા વિરુદ્ધ કલોલના સાંતેજ પોલીસ મથકમાં વધુ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પૂર્વ કલેકટરે પોતાના કાર્યકાળ દરમ્યાન સત્તાનો દુરુપયોગ કરી ખેતીની જમીન બિનખેતી હોવાનો ઓર્ડર કરી ધરતી સહકારી મંડળીને પધરાવી દેવામાં આવી હોવાનું બહાર આવતાં સાંતેજ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.કલોલના મામલતદારે નોંધાવેલી ફરિયાદ મુજબ ,પૂર્વ કલેકટરનાં કાર્યકાળ દરમ્યાન કલોલના મુલસણા ગામની અલગ અલગ સર્વે સર્વે નંબર વાળી જમીન અમદાવાદ પાંજરાપોળ સંસ્થા દ્વારા ૯૯ વર્ષના ભાડા પટ્ટે રાખવામાં આવેલ હતી. આથી ઉપરોકત જમીનના રેવન્યુ રેકર્ડમાં બીજા હક્કમાં અમદાવાદ પાંજરાપોળ સંસ્થાનુ નામ દાખલ થયેલ. ત્યારબાદ આશરે વર્ષ ૧૯૫૧-૫૨ બાદ ઉપરોકત જમીનમાં કેટલાક ગણોતીયાના નામ પણ સામાન્ય ગણોતીયા તરીકે દાખલ થયા હતા. પરંતુ અમદાવાદ પાંજરાપોળ સંસ્થા દ્રારા પોતે આ જમીનના પટ્ટેદાર હોવા છતા ખોટી રીતે ગણોત ધારાની કલમ ૮૮ (બી) મુજબનુ મુક્તિનુ પ્રમાણપત્ર મેળવી ફેરફાર નોંધ નં-૪૭૫ થી પાંજરાપોળ સંસ્થા પટ્ટેદાર હોવા છતાં રેવન્યુ રેકર્ડ કબજેદાર તરીકે માલીકીના પ્રથમ હક્કમાં દાખલ થઈ ટોચ મર્યાદા ધારા હેઠળ મુક્તિ મેળવી હતી.ત્યારબાદ નોધ નં-૯૩૮ થી મુળ માલીકો કબજેદાર તરીકે માલીકીના પ્રથમ હકકમાં દાખલ થયેલ, ત્યારબાદ તેઓ દ્વારા ટોચ મર્યાદા ધારાઓથી છટકવા માટે થઈ તેમના ૨૭ વારસોના નામ રેવન્યુ રેકર્ડ દાખલ કરાવેલ. તદઉપરાંત હક્ક પત્રકે ફેરફાર નોંધ નં-૨૪૯ થી પાંજરાપોળ સંસ્થા તથા અન્ય ખેડૂતો ગણોતીયા તરીકે આ જમીનોમાં દાખલ થયેલ તે કમી થયેલ અંગેની ખાત્રી કરવી પડે જે ધ્યાનમાં લીધેલ નથી. ત્યારબાદ આ જમીનો ઉપર પાંજરાપોળ સંસ્થાનો ભાડાપટ્ટો શરૂ હોવા છતાં તેમા ઉત્તરોત્તર વેચાણ થયેલ અને તેની નોંધો ખોટી રીતે પ્રમાણીત કરવામાં આવેલ છે.ધરતી સામુદાયીક સહકારી ખેતી મંડળીને કલેકટર ગાંધીનગરના તા.૧૩/૯/૨૦૦૫ ના હુકમથી ૧૮ સર્વે નંબરોની ખેતીની જમીન ખરીદવા ગ.ધા.કલમ-૬૩ નિયમ ૩૬ મુજબ જાતે ખેતી કરવા મંજૂરી આપેલ. જેના હુકમની શ૨ત નં-૮ અને ૧૦ મુજબ અન્ય ખેતીની જમીન પુર્વ મંજૂરી વગર લઈ શકાય નહી. તે સામે જી.આર.ટી દ્રારા તા.૧૭/૩ /૨૦૦૮ ના હુકમથી આ શરતો રદ કરેલ. જે ર્નિણય સરકારના હિત વિરૂધ્ધનો હોય તેને પડકારવાની જરૂર હતી. પરંતુ તે બાબતે કોઇ કાર્યવાહી થયેલ નહી.ઉપરાંત ઉક્ત ચુકાદો આવ્યા પહેલા ધરતી સહકારી મંડળી દ્વારા અન્ય ખેતીની જમીનો ખરીદ કરવામાં આવેલ, જે સ્પષ્ટ રીતે શરતભંગ કરતી હતી. ઉપરાંત આ ધરતી સહકારી મંડળીને ખેડુતનો ખાસ દરજ્જાે આપી ખેતીની જમીન જાતે ખેતી કરવાની શરતે મંજૂરી આપેલ. પરંતુ આ મંજૂરીનો દુરઉપયોગ કરી ચુકાદા આધારે અન્ય જમીનો મોટા પાયે ખરીદી જાતે ખેતી નહી કરી વેચાણ કરી નફાકારક પ્રવૃતિ પણ કરવામાં આવેલ છે અને સહકારી મંડળીના નામે જમીનો ખરીદી આડકતરી રીતે ટોચ મર્યાદા ધારાની જાેગવાઈઓમાંથી પણ છટકી ગયેલ છે.ત્યારબાદ પાંજરાપોળ ટ્રસ્ટ દ્વારા ભાડા પટ્ટાની મુદ્દત પુરી થતા અગાઉ તે માટે રીલીઝ ડીડ ત્રાહીત વ્યક્તિના નામે કરી આપેલ. જે હકીકતે આવુ રીલીઝ ડીડ મુળ માલીકના નામે કરવાનુ થાય. ઉપરાંત આ જમીનોમાં રહેલ ગણોતીયા દુર કરવા સારૂ ગ.ધા.કલમ-૩૨(ઓ) કે જે તા.૨૪/૩/૨૦૦૯ ના રોજ રદ કરવામા આવેલ છે તેમ છતા તે પહેલા અને તે પછી કેસો ચલાવી ગણોતીયા રદ કરવાનો હુકમ થયેલ છે. જે પૈકી કેટલાક કેસો રીવ્યુ પણ થયેલ નથી, જે માટે પણ કાર્યવાહી કરવાની રહેતી હતી. ઉપરાંત આ કેસો ચલાવતી વખતે પાંજપોળ સંસ્થા જમીન માલીક ન હોવા છતાં તેને પક્ષકાર બનાવી હુકમો કરેલ છે. જે કાયદા વિરૂધ્ધ છે. વધુમાં ફરીયાદમાં ઉલ્લેખ કર્યો છે કે, એડવોકેટ જનરલનો અભિપ્રાય જાેતા પ્રસ્તુત કિસ્સામાં ખેત જમીન ટોચ મર્યાદા ધારો લાગુ પડે છે. પરંતુ ત્યારબાદ ઉત્તરોત્તર વેચાણ વ્યવહારો થયેલા હોવાથી તથા વિલંબના કારણે સીલીંગ ધારા હેઠળ કાર્યવાહી કરવી ઉચિત નથી તેવો અભિપ્રાય આપેલ છે. આથી આ બાબતે બેકરેફરન્સ કરવાને બદલે પૂર્વ કલેકટર દ્રારા ખોટી રીતે બિનખેતી મંજૂરીઓ આપવાની કાર્યવાહી કરેલ છે. આમ પૂર્વ કલેકટરે પોતાની સત્તાનો દુરુપયોગ કરી વધુ એક જમીન કૌભાંડ પણ આચર્યું હોવાનું સરકારની તપાસમાં બહાર આવતા સાંતેજ પોલીસ મથકમાં ફરિયાદ કરાઈ છે.