રાજ્યની પ્રાથમિક શાળાઓના બાળકોને કોઈ પણ જાતની શિક્ષા કે માનસિક ત્રાસ કરવા પર પ્રતિબંધ મુકવા માટે રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે. જો કોઈ શાળા દ્વારા બાળકને શિક્ષા અને માનસિક ત્રાસ જણાશે તો તેની સામે દંડનીય કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે. જેમાં પ્રથમ પ્રસંગે 10 હજાર રૂપિયા અને તે પછીના પ્રસંગે 20 હજાર રૂપિયાનો દંડ ફટકારવાની સૂચના પણ અપાઈ છે.
રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ખાનગી શાળામાં 25% રિઝર્વ બેઠક પર પ્રવેશ મેળવતા ગરીબ અને મધ્યમવર્ગના બાળકો સાથે ખાનગી સ્કૂલો દ્વારા ભેદભાવભર્યું વર્તન રાખી માનસિક ત્રાસ આપતો હોવાની ફરિયાદો અવારનવાર ઉઠે છે. તેમજ શાળાઓમાં નાના ભૂલકાઓ પર શિક્ષકો દ્વારા માર મારવામાં આવતો હોવાની પણ ફરિયાદો ઉઠતી હોય છે. જેથી રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા તમામ જિલ્લાના શિક્ષણના અધિકારીઓને ઉદ્દેશીને પરિપત્ર પ્રસિધ્ધ કરવામાં આવ્યો છે.
આ પરિપત્રમાં દર્શાવ્યુ છે કે, રાજ્યની તમામ સરકારી શાળા, પ્રાથમિક શાળા અનુદાનિત અને બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળા, CBSC કે ICSI અથવા કોઈપણ બોર્ડ સાથે સંકળાયેલ માધ્યમની શાળાઓને કોઈપણ બાળકને શાળાના શિક્ષકો કે આચાર્ય દ્વારા કોઈપણ કારણસર શારીરિક શિક્ષા કે માનસિક ત્રાસ આપવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.