જુનાગઢની જલારામ સોસાયટીમાં એક મકાન ભાડે રાખીને ટોળકીએ ઈન્ટરનેશનલ કોલ સેન્ટર ચલાવ્યું હતું. અહીંથી ફોન પર ફોન કરીને અમેરિકન નાગરિકોને જબરા બાટલીમાં ઉતારતા હતા. આ કૌભાંડમાં 12થી વધુ યુવક અને યુવતીઓ સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે મોડી રાત્રે દરોડા પાડ્યા અને યુવતીઓ તથા યુવકોને દબોચી લીધા હતા.
કોલેજિયન કે ગ્રેજ્યુએટ યુવક અને યુવતીઓએ મળીને અમેરિકનને છેતરતું કોલસેન્ટર ઊભું કરી દીધું હતું. આ સમયે મીડિયા અહેવાલો પ્રમાણે 5 યુવતીઓ આ કારસ્તાનમાં સામેલ હોવાની વિગતો મળી છે. એટલું જ નહીં આંતરરાષ્ટ્રિય કોલ સેન્ટરથી તેઓ અમેરિકન સિટિઝનને લોભામણી સ્કિમ આપી દાવ કરી નાખતા હતા. આ બોગસ કોલસેન્ટરથી યુવતીઓની મદદે લોકોને બાટલીમાં ઉતારવામાં આવતા હતા. એટલું જ નહીં તેમાં કુલ 12 લોકોની અટકાયત કરીને પૂછપરછ કરાઈ રહી છે. જ્યારે તેમની પાસેથી લાખો રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે કરી લેવામાં આવ્યો છે.
જુનાગઢના જયશ્રી રોડ પાસે રેલ્વે ફાટક આવ્યું છે ત્યાં એક જલારામ સોસાયટીમાં ઈશાંત બિલ્ડિંગની અંદર ભાડે મકાનમાં ઈન્ટરનેશનલ કોલ સેન્ટર ચાલી રહ્યું હતું. આ અંગે પોલીસને બાતમી મળી હતી અને સૂત્રોએ જણાવ્યા પ્રમાણે યુવક અને યુવતીઓ ન કરવાનું કામ ત્યાં કોલસેન્ટરમાં કરતા હતા. એથિક્સ બાજુમાં મુકી અમેરિકન નાગરિકોને છેતરતી આ ગેંગ જ્યારે પોલીસે પકડી તો બધા માફી માગવા લાગ્યા હતા. પરંતુ પોલીસે પણ લાલ આંખ કરી અને પછી બધાની અટકાયત કરી હતી. આમાંથી 2 મુખ્ય આરોપીઓ તો ફરાર થઈ ગયા છે.
પોલીસે તેમની પાસેથી કોમ્પ્યુટર, લેપટોપ, રોકડ રકમ સહિત કુલ 8 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચ બધા વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરશે. એટલું જ નહીં કોમ્પ્યુટરના ડેટાના આધારે કેટલી રકમની ઠગાઈ થઈ છે એ પણ જોવામાં આવી રહ્યું છે. લગભગ આ રકમ લાખો રૂપિયાને પાર કરી ગઈ હોય તેવું લાગી રહ્યું છે.